ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રૂ. ૫૩૦૦ કરોડના ખર્ચે નિર્માણધીન ભાડભૂત બેરેજ યોજનાનો ઈ-કાર્ય શુભારંભ કરાયો
દક્ષિણ ગુજરાત માટે ખૂબ મહત્વની રૂ. ૫૩૦૦ કરોડના ખર્ચે નિર્માણધીન ભાડભૂત બેરેજ યોજના ભરૂચ જિલ્લાના વિકાસ માટે જીવાદોરી સમાન સાબિત થશે. આ યોજના મૂર્તિમંત થવાથી ૨૧,૦૦૦ મિલિયન ઘનફૂટ મીઠાપાણીનો સંગ્રહ થશે જેના પરિણામે આ વિસ્તારમાં ખેતી, પીવાનું પાણી તથા ઔદ્યોગિક વપરાશ માટેના પાણીની સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવશે તેમ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી ભાડભૂત બેરેજ યોજનાનો ઈ-કાર્ય શુભારંભ કરાવતાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કલ્પસર વિભાગ અંતર્ગત ભરૂચ ખાતે રૂા. ૫૩૦૦ કરોડના ખર્ચે આકાર પામનાર ભાડભૂત બેરેજ યોજનાના ઈ-કાર્યનો ગાંધીનગર ખાતેથી આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના સમની ગામ ખાતે નિર્માણ પામનાર ભાડભૂત બેરેજ યોજનાના ઈ-કાર્યના શુભારંભ પ્રસંગે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી અને કલ્પસર વિભાગના મંત્રી નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ ભાડભૂત ખાતે ઉપસ્થિત મંત્રી, સાંસદ અને ધારાસભ્ય અને પદાધિકારીઓને આ યોજનાના ઇ-કાર્ય શુભારંભ અંગે શુભેચ્છા આપતાં કહ્યું હતું કે, ભરૂચ જિલ્લાના વર્ષો જૂના ખારા પાણીના પ્રશ્નનો આ ભાડભૂત બેરેજ યોજના શરૂ થવાથી અંત આવશે. આ વિસ્તારના લોકોને પીવા માટે અને સિંચાઇ માટે મીઠું પાણી ઉપલબ્ધ થશે. ભાડભૂત બેરેજ યોજનાનું ઇ-ખાતમુર્હૂત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂા. ૫૩૦૦ કરોડની આ યોજનામાં સંપૂર્ણ પારદર્શક રીતે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરતા એક વર્ષનો સમય થયો છે પરંતુ આજે આ ટેન્ડર ૧.૫% ડાઉનથી આપણે મંજૂર કર્યુ છે. મુખ્યમંત્ર કહ્યુ હતુ કે, આજે અમારી સરકાર સફળ રીતે પાંચમા વર્ષમાં પ્રવેશી રહી છે તેવા શુભ દિવસે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશામાં આગળ વધીને આ ભાડભૂત બેરેજ યોજના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો છે. આ યોજનાથી ૨૧૦૦૦ મિલિયન ઘનફૂટ મીઠા પાણીનો સંગ્રહ, છ માર્ગીય પુલ થવાથી દહેજ-હાંસોટ-સુરત વચ્ચેના માર્ગ અંતરમાં આશરે ૧૮ કી.મી.નો ઘટાડો થશે. નર્મદા નદીમાં, બેરેજથી શુક્લતીર્થ સુધીના વિસ્તારમાં ખારાશની સમસ્યાનો હલ તેમજ ભૂગર્ભજળની ગુણવત્તામાં સુધારો થશે.
આ ઉપરાંત ૨૦ કી.મી. લાંબો પૂરસંરક્ષણ પાળો બનવાથી આ વિસ્તારમાં નર્મદા નદીના બંને કાંઠાની ખેતીલાયક જમીનોની ધોવાણની સમસ્યાનો અંત તથા ૧૭ ગામોને પૂરની સામે રક્ષણ મળશે. સાથે સાથે ખેતી, પીવા તથા ઔદ્યોગિક વપરાશ માટેના પાણીની કાયમી સમસ્યાઓનું નિરાકરણ આવશે. આ બેરેજની લંબાઇ ૧૬૪૮ મીટર, ૯૦ દરવાજા, બેરેજ પર ૬-માર્ગીય પુલ પણ તૈયાર થશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મા નર્મદાના નીરના સંગ્રહથી આ યોજનાનો શુભારંભ થવાથી ગુજરાત આગામી સમયમાં ઉર્જાની જેમ પાણી ક્ષેત્રે પણ દેશનું સરપ્લસ રાજ્ય બનશે તેવો મને વિશ્વાસ છે. આ ભાડભૂત યોજના વિશ્વકક્ષાની બને અને એક આઇકોનિક પ્રોજેક્ટ પ્રસ્થાપિત થાય તે દિશામાં આપણે પ્રયાસો કરી રહ્યા છે. કોરોના વચ્ચે ગુજરાતનો વિકાસ અટકે નહી એટલે આપણી ફિઝિકલી નહી પણ ડીજીટલી ઇ-લોકાર્પણ ઇ-ખાતમુર્હૂતના વિકાસ કામો કરી રહ્યા છે. દહેજમાં તૈયાર થનાર મીઠા પાણી માટેનો ડિસિલિનેશન પ્લાન્ટ અને ભાડભૂત યોજનાના પરિણામે ભરૂચ જિલ્લો મીઠા પાણીનો જિલ્લો બનશે તેવી ચોક્કસ અપેક્ષા છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ પ્રસંગે સૌને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની નેતૃત્વવાળી સરકારના આજે સફળતાપૂર્વક ચાર વર્ષ પૂર્ણ કરીને પાંચમાં વર્ષમાં પ્રવેશી રહી છે તેવા શુભ દિવસે દાયકાઓથી જેની રાહ જોતાં હતા તે ભાડભૂત બેરેજ યોજનાના કાર્યનો આજે શુભારંભ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ યોજનાનું ઇ-ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પર્યાવરણ સંબંધીત અને કાયદાકીય પ્રક્રિયાપૂર્ણ કરીને આજે આ યોજનાના કાર્યનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ભરૂચ જિલ્લા માટે આજે મહત્વનો દિવસ છે.
નર્મદા યોજનાથી ગુજરાતના ચાર કરોડથી વધુ નાગરિકોને પીવા-વપરાશનું પાણી અને ૧૮ લાખ હેક્ટરથી વધુ જમીનમાં સિંચાઇનો લાભ મળે છે. દરિયામાં ભરતી સમયે નર્મદા નદીમાં ખારા પાણીથી આ વિસ્તારની જમીનને નુકસાન થતુ હતુ. હવે આગામી સમયમાં આ યોજના પૂર્ણ થવાથી આ વિસ્તારના લોકોને પીવાનું પાણી, ખેતી અને ઉદ્યોગોને મીઠું પાણી ઉપલબ્ધ થશે જેનાથી આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે. આ યોજના સાચા અર્થમાં બહુહેતુક યોજના પ્રસ્થાપિત થશે તેમ તેમને ઉમેર્યુ હતુ.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકારે આજે તા. ૭ ઓગસ્ટના રોજ સફળતાપૂર્વક ચાર વર્ષ પૂર્ણ કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગુજરાતનો ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવાની આગે કૂચમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકારે તેમના સુશાસનના ૧૪૬૦ દિવસમાં ૧૫૦૦થી વધુ જનહિત જનક્લ્યાણના નિર્ણયો કરીને ગુજરાતને એક સબળ નેતૃત્વ પૂરૂ પાડ્યુ છે.
ગાંધીનગર ખાતે ઉપસ્થિત કલ્પસર વિભાગના સચિવ કે. બી. રાબડિયાએ સ્વાગત પ્રવચન કરીને ભાડભૂત બેરેજ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કલ્પસર વિભાગના મુખ્ય ઈજનેર અને અધિક સચિવ આર. કે. ઝાએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે ભાડભૂત ખાતે સહકાર રમત-ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દુષ્યંતભાઈ પેટલ, ધારાસભ્ય અરૂણસિંહ રાણા સહિત વિવિધ પદાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.