રૂ.25 લાખના તાંબા-પિતળના જુથ્થા સાથે સીઝ કરાયેલો ટ્રક બહુમાળી ભવનમાં રાખ્યો’તો
રાજકોટ અને ભાવનગરના શખ્સોએ રૂા.9.50 લાખનું તાંબાનું કબ્જે કરાયું: સીસીટીવી ફુટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો
અબતક,રાજકોટ
ભાવનગર રોડ પર આવેલા ત્રંબા ગામ પાસેથી પાંચ માસ પહેલાં સ્ટેટ જીએસટી દ્વારા ચેકીંગ કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન જી.જે.16એયુ. 1245 નંબરના ટ્રકને ઝડપી તપાસ કરતા જરૂરી કાગળ ન હોવાથી ટ્રક ડીટેઇન કરી બહુમાળી ભવન ખાતે રાખ્યો હતો તે દરમિયાન ટ્રકમાંથી દસેક લાખની કિંમતનું તાંબાની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચોરીના ગુનામાં સંડોવાયેલા દસ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે ઝડપી ભેદ ઉકેલ્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બહુમાળી ભવન પાર્ક કરાયેલા ટ્રકમાંથી તાંબાની ચોરી અંગેની ગત તા.1-2-22ના રોજ ઘંટેશ્ર્વર ખાતેના પટેલ ચોકમાં રહેતા સ્વપ્નનીલ રાજુભાઇ રાઠોડે રૂા.10 લાખના તાંબા-પિતળના ભંગારની ચોરી અંગેની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. જે.વી.ધોળા સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે ચોરીના ગુનામાં સંડોવાયેલા દસ શખ્સોને ઝડપી લીધા છે. સ્ટેટ જીએસટીએ જેનો મુદામાલ સીઝ કર્યો હતો તેને જ ભાવનગર અને રાજકોટના શખ્સોને ટીપ આપતા તેઓ બોલેરો લઇને ચોરી કરવા આવ્યા હોવાની બાતમીના આધારે તેમજ સીસીટીવી ફુટેજના આધારે ભેદ ઉકેલ્યો છે.ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા તળાજાના ઉખરલાના વતની અને હાલ ભાવનગર રહેતા મિતરાજ અનિરૂધ્ધસિંહ ગોહિલ, રાજસ્થાનના કોટાના વતની અને ભાવનગર રહેતા દિવ્યરાજસિંહ અનિરૂધ્ધસિંહ રાઠોડ, ભાવનગર ભરતનગરમાં રહેતા જીતેન્દ્ર નારણ ચાવડા, તુષાર કિશોર બાંભણીયા, રાજદીપસિંહ જયદીપસિંહ જાડેજા, ધર્મેશ પોપટ ચુડાસમા, કુલદીપ રાજુ ગોરી, આશિષ રાજુ પરમાર, સાગર ઉર્ફે રાહુલ ઝાલા, યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા અને યુપીના ચુનાબાદ ગજોધર કોટાર નામના શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રૂા.3 લાખ રોકડા, મોબાઇલ અને કાર મળી રૂા.8.59 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ચોરીના ગુનામાં સંડોવાયેલા ધર્મેશ પોપટ ચુડાસમા, ભગીરથસિંહ પ્રતાપસિંહ જાડેજા, સફીન અને અરવિંદ ઉર્ફે દીપ મહારાજની શોધખોળ હાથધરી છે.આ અંગેની પોલીસ દ્વારા સાંજે પાંચ વાગે સતાવાર રીતે જાહેરાત કરી તસ્કરો સાથે અન્ય કોણ સંડોવાયું છે. તે અંગેની વિગતો ડીસીપી ઝોન-1 દ્વારા આપવામાં આવશે, તસ્કરોએ ચોરેલા તાંબા અને પિતળનો અન્ય ભંગાર કબ્જે કરવા તમામ શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.