મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા મંદિર સંચાલક અને પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ તપાસ કરતા પશુ બલીની ઘટના સામે આવી
બાબરાના નિલવડા રોડ પર આવેલા વડાળીવાળા મેલડી માતાજીના મંદિરે પશુ બલી ચડાવવામાં આવ્યાનું સીસીટીવીના માધ્યમથી મંદિર સંચાલકના ધ્યાને આવતા પશુ બલી ચલાવતા દસ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી બાબરા પોલીસે દસ શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નિલવડા રોડ પર આવેલા વડાળીવાળા મેલડી માતાજીના મંદિરે ચોરી થઇ હોવાથી રાજકોટના અમીન માર્ગ પર સુર્યોદય સોસાયટીમાં રહેતા મંદિરના સંચાલક રાજેશભાઇ જયંતીલાલ જેઠવા અને બાબરા પોલીસ સ્ટાફ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા સીસીટીવી ફુટેજ તપાસી રહ્યા હતા તે દરમિયાન ગત તા.22ની મધરાતે દસ જેટલા શખ્સો દ્વારા પશુ બલી ચલાવી હોવાનું જોવા મળ્યું હતું.
મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી તસ્કરને ઝડપી લીધો હતો જ્યારે પશુ બલી ચલાવતા બાબરાના લખમણ મગન ડાભી, વિહા નારણ ભરવાડ, નારણ પાંચા ઝીંઝુવાડીયા, સંજય ખોડુ કરકર, ભૂપત તળશી ઝીંઝુવાડીયા, બચુ નારણ ભરવાડ, દેવા ગભા ભરવાડ, બીજલ ડાભી અને તેની સાથે કેટલાક અજાણ્યા શખ્સો સામે રાજકોટ રહેતા જમીન મકાનના ધંધાર્થી રાજેશભાઇ જયંતીલાલ જેઠવાએ બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓએ પોતાનું કામ થયું હોવાથી મેલડી માતાજીને પશુ બલી ચલાવી હોવાની કબુલાત આપી છે.
બાબરા ખાતે આવેલા વડાળીવાળા મેલડી માતાજીના મંદિરે છેલ્લા બે વર્ષ અને બે માસથી અખંડ યજ્ઞ ચાલતો હોવાનું અને દસ વર્ષ સુધી અખંડ યજ્ઞ ચાલુ રાખવાનો તેમજ દરરોજ ભગવાન ભોળાનાથ શિવજીનો લઘુરૂદ્રી થતી હોવાનું રાજેશભાઇ જેઠવાએ જણાવ્યું હતું. તેમજ મંદિર ખાતે કોઇએ પશુ બલી ન ચડાવવી તે અંગેનું બોર્ડ પણ લગાવ્યું છે.
મેલડી માતાજીના મંદિરે પશુ બલી ચલાવતા શખ્સો કંઇ રીતે મંદિરમાં બકરો લાવ્યા, બકરાની ગરદન કંઇ રીતે અને કોને કાપી તેમજ બકરાના લોહીના માતાજીની મૂર્તિ પર છાટણા કર્યા હોવાના અને ત્યાર બાદ બકરાના લોહીની મંદિરમાં સાફસફાઇ કોણે કરી તે સહિતના સીસીટીવી ફુટેજના આધારે અન્ય કોણ સંડોવાયા છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.