નર્મદાના પાણી નિહાળવા લાગતી ભીડ ત્રિવેણી ઘાટ વગર વરસાદે છલકાય જતાં રાજકોટથી લોકો ત્યાં નહાવા માટે પહોંચી જાય છે
રાજકોટ શહેરના નગરજનો માટે ત્રંબા હવે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. વાંકાનેર તાલુકાના મચ્છુ ડેમથી ૩૧ કિલોમિટર લાંબી લાઇન થકી ત્રંબા પાસે આવી પહોંચેલા નર્મદાના નિરને નિહાળવા માટે રાજકોટથી લોકો ત્યાં ઉમટી પડે છે. પાણી આવ્યું ત્યારથી રોજબરોજ પંદરસોથી બે હજાર લોકો તેને નિહાળવા માટે ત્રંબા આવે છે. ત્રંબા ગામની સીમમાં આવેલા હનુમાનજીના મંદિર પાસે નર્મદાની લાઇનમાં ફૂલ ફોર્સથી પાણી આવી રહ્યું છે. વગર વરસાદે બાંડિયો નદી બે કાંઠા બહાર વહી રહી છે. આ બાંડિયો નદી આજી નદીમાં ભળે છે. આ સ્થળ પણ અચરજ સાથે લોકો ઉમટી પડે છે અને પાણીનો પ્રવાહ નિહાળી આનંદિત થાય છે. માત્ર ગ્રામીણ લોકો જ નહીં પણ, રાજકોટથી પણ મોટી સંખ્યામાં અહીં પાણીનો પ્રવાહ જોવા માટે આવે છે. ટેમ્પરરી ટુરિસ્ટ ડેસ્ટીનેશન બની ગયું છે. એના કારણે, ત્રંબા ગામમાં આવેલા ખાણીપીણીના સ્ટોલધારકોને ગ્રાહકોનો તડાકો બોલી ગયો છે. તેમ બાંડિયા નદી ઉપર જ ત્રંબા ગામમાં ત્રિવેણી ઘાટ આવેલો છે. અહીં પ્રાચીન શ્રી ત્ર્યમ્બકેશ્વર મહાદેવ બિરાજમાન છે. વિના વરસાદે ત્રિવણી ઘાટ ભરાઇ જતા તેમાં ઘુબાકા મારી નહાવાનો આનંદ પણ માણવાનું લોકો ચૂકતા નથી.
એક તો રવિવારની રજા ને તેમાંય આ ઇજનેરી અચરજ ! રાજકોટથી મોટી સંખ્યામાં નર્મદાના પાણી નિહાળવા ત્યાં લોકો પહોંચી ગયા હતા. તેની સાથે ત્રિવેણી ઘાટ પણ પાણી ઉપરાંત તરવૈયાઓથી છલકાય ગયો છે. અબાલવૃદ્ધ સૌ કોઇ આનંદની છોળો ઉડાડતા જોવા મળ્યા હતા. વળી, રવિવાર ત્રંબામાં મેઘરાજાએ વાવણીલાયક મેઘમહેર કરતા આનંદમાં વધારો થયો હતો.