રાજકોટ ડિવીઝનને વધુ પાંચ ફાળવાઈ
રાજકોટમાં એરપોર્ટ જેવું બસ પોર્ટ બનવા જઈ રહ્યું છે ત્યારે ૫૦ વર્ષ જૂના બસ સ્ટેન્ડને સ્થળાંતર કરી શાસ્ત્રીમેદાન ખાતે ખસેડવામાં આવ્યું છે. જુના બસ સ્ટેન્ડની જેમ બધી જ સુવિધાઓ હંગામી બસ સ્ટેન્ડમાં પણ આપવામાં આવી છે પરંતુ સ્થળાંતર કરાયેલા હંગામી બસ સ્ટેન્ડમાં એક પછી એક સમસ્યાઓ વધી રહી છે.મેદાનમાં આવતી બસ અને બીજા અન્ય વાહનોને લીધે ઉડતી ધુળની ડમરીઓ મુસાફરો અને અન્ય લોકો માટે પરેશાની બની ગઈ છે. ત્યાંથી પસાર થતા લોકો પણ મોં પર રૂમાલ અને માસ્ક પહેરવા મજબુર બન્યા છે. આ સમસ્યાનો હલ કરવા આવતા એક મહિનામાં હંગામી બસ સ્ટેન્ડમાં કપચી પાથરવામાં આવશે. શાસ્ત્રીમેદાનમાં હંગામી બસ સ્ટેન્ડમાં દિવસ દરમિયાન ૮૦૦ જેટલી બસની અવર-જવર રહે છે. બસ આવતા-જતા સમયે મોટા પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઉડે છે. જેના કારણે બસ સ્ટેન્ડમાં રહેલા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે. મુસાફરોની ફરિયાદના પગલે એસ.ટી.તંત્ર દ્વારા આવતા એક મહિનામાં મેદાન પર કપચી પાથરવાનો નિર્ણય કર્યો છે. બીજીબાજુ હંગામી બસ સ્ટેન્ડમાં લોકો દ્વારા આડેધડ પાર્કિંગ કરાતા ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાય છે. મુસાફરોને બસ સ્ટેન્ડે મુકવા આવતા લોકો આડેધડ પોતાનું વાહન પાર્ક કરીને જતા રહે છે. પાર્કિંગની વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળે છે. જેનું કાયમ માટે નિવારણ લાવવું પણ અનિવાર્ય છે. ટ્રાફિકનો પ્રશ્ર્ન નિવારવા રાજકોટ એસ.ટી.ના ડેપો મેનેજર નિશાંત વરમોરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આડેધડ પાકિર્ંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુ સ્કોવડ મુકીને તપાસ કરવામાં આવશે. ઉપરાંત હંગામી બસ સ્ટેન્ડમાં સાઈડમાં ખાલી પડેલી જગ્યામાં ફ્રી પાર્કિંગની સુવિધા કરવાનો હાલ વિચાર છે તે અમલમાં મુકવામાં આવશે અને ધૂળ ઉડતી અટકાવવા કપચી પાથરવામાં આવશે. યાત્રિકોને સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.