તમામ મંદિરો અનિશ્ચિત મર્યાદા સુધી બંધ રહેશે : સ્વામીનારાયણ બી.એ.પી.એસ. સંસ્થાનો નિર્ણય
હાલ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સ્વામીનારાયણ બીએપીએસ સંસ્થાએ મોટો નિર્ણય લીધો છે. અક્ષરધામ સહિતના મોટા મંદિરો હજુ દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સંસ્થા દ્વારા જયાં સુધી કોઇ નવી તારીખ જાહેર કરવમાં ન આવે ત્યાં સુધી દર્શન માટે મંદિર બંધ રહેશે તેમ પૂ. અપૂર્વમુનિ સ્વામી દ્વારા જણાવાયું છે.કોરોના મહામારીના સંક્રમણને પગલે બંધ રહેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરો હજુ અનિશ્ર્ચિત સમય મર્યાદા સુધી બંધ રાખવા સંસ્થા દ્વારા નિર્ણય લેવાયો છે.
કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતી હળવી થયા બાદ સાર્વજનિક સ્વાસ્થ્ય અને મંદિરનો વ્યવસ્થા વગેરે પરિબળો અંગે પૂર્ણ વિચાર કરીને દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. મંદિર ખુલવા અંગે નવી તારીખ જાહેર કરાયા બાદ દર્શનાર્થીઓ દર્શન કરી શકશે.કોવિડ-૧૯ની મહામારી વચ્ચે લોકોને બચાવવા રાજયના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, સહિતના સ્થળોએ હાલ મંદિરો ખુલશે નહી જો કે નાના શહેરો ગામોના મંદિરો હરિભકતો માટે તમામ નીતી નિયમો સાથે ખોલવામાં આવ્યા છે. શહેરોની અંદર જન સંખ્યા વધુ હોવાથી અને સંક્રમણનુ પ્રમાણ વધુ હોવાથી તકેદારીના ભાગરૂપે અને લોકોની સુખાકારી માટે મંદિરો બંધ રાખવામાં આવ્યા છે.