વોર્ડ નં.4માં વાલ્મીકી સોસાયટીમાં રામદેવપીર મંદિરના ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરાતાં ટોળે-ટોળા ઉમટ્યા: શાસક નેતા વિનુભાઇ ઘવાએ અધિકારીઓનો ઉધડો લીધો, મંદિર પુન: મૂળ સ્થિતિમાં સ્થાપવા મંજૂરી અપાતા મામલો શાંત પડ્યો
હાલ નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓની બુદ્વિ જાણે ઘાસ ચરવા નીકળી ગઇ હોય તેમ આજે બીજા નોરતે સવારે શહેરના સામા કાંઠા વિસ્તારમાં વોર્ડ નં.4માં આવેલી વાલ્મીકી સોસાયટીમાં રામદેવપીર મહારાજના મંદિરનું ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભાવિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે લોકોના ટોળે-ટોળા એકત્રિત થઇ જતાં ટીપીના સ્ટાફે મંદિરની આસપાસ ખડકાયેલ દિવાલ અને પીલરનું બાંધકામ તોડી પરત ફરવાની ફરજ પડી હતી.
આ મામલો શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા સુધી પહોંચતા તેઓએ ટીપી શાખાના સ્ટાફની ઝાટકણી કાઢી નાંખી હતી. અંતે મંદિરના ડિમોલીશન કરાયેલા ભાગને મૂળ સ્થિતિમાં સ્થાપવાની મંજૂરી આપવામાં આવતા ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે વોર્ડ નં.4માં ટીપી સ્કિમ નં.14ના એસ.ઇ.ડબલ્યૂ.એસ. હેતુના પ્લોટના અંતિમ ખંડ નં.4(બી)માં વાલ્મીકી સોસાયટી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા કોર્પોરેશનના અનામત પ્લોટ પર રામદેવપીર મહારાજનું મંદિર બનાવી લેવામાં આવ્યું હતું. આજે નવરાત્રિના પાવન દિવસોમાં આ મંદિરના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવતા ભાવિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ પ્લોટમાં ટીપી સ્કિમ બની તે પહેલા મંદિર બનાવવામાં આવ્યું હોય તેવી દલીલ કરવામાં આવી હતી. દરમિયાન ભાજપના કોર્પોરેશન દિલીપભાઇ લુણાગરીયા સ્થળ પર પહોંચી ગયા હતા અને તાત્કાલીક અસરથી ડિમોલીશનની કામગીરી અટકાવી હતી. સમગ્ર મામલો શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા સુધી પહોંચતા તેઓએ અધિકારીઓ અને કર્મચારીઓને ઘઘલાવી નાંખ્યા હતા. મ્યુનિ.કમિશનરનું ધ્યાન દોરવામાં આવતા જ્યાં સુધી ટીપીના અનામત પ્લોટ પર કોઇએ બાંધકામની કામગીરી કરવામાં ન આવે ત્યાં સુધી મંદિર મૂળ સ્થિતિમાં સ્થાપવાની માન્યતા આપવામાં આવી છે.
સામા પક્ષે ભાવિકો પણ જ્યારે અનામત પ્લોટનો મૂળ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે ત્યારે મંદિરનું સ્થળાંતર કરવા માટે સહમત થતાં ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. અંદાજે 18 કરોડના આ પ્લોટ પર 60 ચો.મી. વિસ્તારમાં ખડકાયેલા મંદિરની દિવાલ અને પીલર સહિતનું કેટલુંક બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટીપી શાખા દ્વારા વોર્ડ નં.15માં ભાવનગર રોડ પર થોરાળા પોલીસ ચોકીની સામે બોક્સ ગટર પર અંદાજે 20 ચો.મી. વિસ્તારમાં કરવામાં આવેલા ઓટલાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.