૯.૩ ડિગ્રી તાપમાન સાથે રાજકોટમાં કાતિલ ઠંડીનો બોકાસો: સૌરાષ્ટ્રભરમાં કોલ્ડવેવનો કહેર
સમગ્ર રાજ્યમાં ઠંડીનું કાતીલ મોજુ ફરી વળ્યુ છે અને કચ્છના નલિયામાં સૌથી નીચું ૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જેથી સમગ્ર નલિયા ઠંડીમાં થીજી ગયુ છે. આ ઉપરાંત ડીસામાં પણ લઘુત્તમ તાપામાં ૭.૮ ડિગ્રી નોંધાયુ છે તો રાજકોટમાં તાપમાન સિંગલ ડીઝીટમાં પહોંચી ગયું છે અને રાજકોટનું લઘુતમ તાપમાન ૯.૩ ડિગ્રી નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં આજે ૫ શહેરોનું લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષાને કારણે દેશભરમાં શીતલહેર જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં કડાકાની ઠંડીનો કહેર બરકરાર છે. તો રાજધાની દિલ્હીમાં ડિસેમ્બરની ઠંડી રેકોર્ડબ્રેક સ્તરે નોંધાઈ છે. દિલ્હીમાં ૧૯૦૧ પછી બીજી વખત વર્ષનો છેલ્લો મહિનો આટલો ઠંડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં તાપમાન હજુ ઘટી શકે છે. દિલ્હીમાં ન્યૂનત્તમ તાપમાન ૨.૪ ડિગ્રી નોંધાયું છે, જે સામાન્યથી સાત ડિગ્રી ઓછું છે.આઇએમડીના રિપોર્ટ અનુસાર ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં ૧ ડિસેમ્બર અને પૂર્વ ભારતમાં ૨ જાન્યુઆરીના રોજ કેટલીક જગ્યાએ કરા અને વાવાઝોડાં સાથે વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.
છેલ્લા ૨ દિવસોમાં પવનની દિશા બદલાતા ગુજરાત ઠંડુગાર બન્યું છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનને કારણે ગુજરાતના ૧૦ શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને લોકો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા છે. રાજકોટનું આજે લઘુતમ તાપમાન ૯.૩ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૫.૨ ડિગ્રી નોંધાયું હતું. જયારે હવામાં ભેજનું પ્રમાણ ૫૪ ટકા અને ૧૦ કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયાનું ૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ૨ દિવસમાં બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને કચ્છ સહિતના શહેરોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે તેવી આગાહી કરી છે.