રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયાનું તાપમાન 6.2 ડિગ્રી નોંધાયું: ગિરનાર પર્વત ટાઢોબોળ 2.6 ડિગ્રી
અબતક, રાજકોટ
ગુજરાતમાં આગામી બે દિવસમાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. ઉત્તર ભારતના પહાડોમાં ભારે બરફવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી કરાઈ છે.હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારમાં હાડ થિજાવતી ઠંડી પડશે.આજે રાજકોટ સહિત રાજ્યના 11 શહેરોમા લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 6.2 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું જ્યારે ગાંધીનગરમાં 7.1 અને અમદાવાદમાં 9.3 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગિરનાર પર્વત જાણે ઠંડીમાં થીજી ગયો હોય તેમ લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગે સતત બે દીવસ અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે. તેની સાથે તાવ અને શરદીના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બુઝુર્ગો સહિતના લોકોને કોલ્ડવેવની અસરથી તકલીફ થવાની પણ ચેતવણી આપી છે. આ તકલીફો વાળા લોકોને ઠંડી બચવા હવામાન વિભાગે સ્વેટર સહિતના પ્રેકોશન્સનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવે ઉત્તરાયણના આડે પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણના બે દિવસમાં ગુજરાતીઓ બરાબરના ઠૂંઠવાશે. કાતિલ ઠંડીના કારણે લોકોને સવારના સમયે પતંગ ચગાવવાની મજા નહીં આવે.
આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેના કારણે યલો એલર્ટ રહેશે. જોકે, બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાશે.આ વર્ષે શિયાળાની સીઝન નો 9મી જાન્યુઆરી નો દિવસ એટલે કે રવિવાર જૂનાગઢનો સૌથી ઠંડો દિવસ બની ગયો હતો. ગઇકાલે જૂનાગઢમાં 7.5 અને ગિરનાર 2.6 ડિગ્રી સાથે કાતિલ ઠંડીનું વાતાવરણ સર્જાતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું અને બર્ફીલો પવન ફૂંકાતા લોકો દિવસભર ગરમ વસ્ત્રોમાં વીંટળાઈ રહ્યા હતા જો કે આટલો કોલ્ડ વેવ હોવા છતાં સક્કરબાગ ઝુ અને ગિરનાર ઉપર પ્રવાસીઓની સંખ્યા સારી રહેવા પાડી હતી.
જૂનાગઢની જો વાત કરીએ તો, જૂનાગઢમાં 21 અને 22 ડિસેમ્બરે ઠંડીનો પારો 9.6 ડિગ્રીએ અટકી ગયો હતો અને ત્યારબાદ ક્યારેય લઘુતમ ડીગ્રીનો પારો નીચે ગયો ન હતો. પરંતુ ગઈકાલે રવિવારે 9 જાન્યુઆરીએ લઘુતમ તાપમાન એકદમ ગગડયુ હતું અને 7.5 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન થઈ જતા, શહેરમાં રવિવારે શીતલહેર ફરી વળી હતી. આખો દિવસ વાતાવરણ ટાઢુ બોળ રહેતા કાતિલ ઠંડીથી લોકો રીતસરના થરથર ધ્રૂજી ઊઠયા હતા અને બર્ફીલો પવન ફૂંકાતા મોટાભાગના લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. ઠંડીની આ અસર બજારમાં પણ જોવા મળી હતી અને સવારની ચહલપહલ ઓછી હતી જ્યારે સાંજના પણ ઠંડીથી બચવા લોકોએ દરરોજ કરતાં વહેલા ઘરની વાટ પકડી લીધી હતી.
જોકે ગઈ કાલે રવિવારે 3,358 મુલાકાતીઓએ આ વિકટ ઠંડીમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી હતી એટલે કે જુનાગઢમાં ચાલી રહેલા કોલ્ડ વેબ વચ્ચે પણ સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો ન હતો. આજ રીતે લોકોએ રોપ-વેમાં પણ સારી સંખ્યામાં સફર કરી હતી, તો કડકડતી ઠંડી વચ્ચે શ્રધ્ધાળુ ભાવિકો અને સાહસિક લોકોએ પગથિયાં ચળી મા અંબાજીના દર્શન કર્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં થયેલા માવઠાના કારણે ઠંડી નું પ્રમાણ વધ્યું છે અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે સતત લહેર પ્રસરી છે અને હજુ બે દિવસ ઠંડી પડવાની સંભાવના દર્શાવાઇ છે.
અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણમાં બે દિવસ કોલડવેવની આગાહી
16મીથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી
ઉત્તરાયણના બે દિવસમાં ગુજરાતીઓ બરાબરના ઠૂંઠવાશે. કાતિલ ઠંડીના કારણે લોકોને સવારના સમયે પતંગ ચગાવવાની મજા નહીં આવે. જેવી ઉત્તરાયણ પુરી થશે એટલે ફરીવાર 16થી 18 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.
11 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો
- નલિયા-6.2
- કંડલા- 8.9
- રાજકોટ-9.7
- મહુવા-9.1
- કેશોદ-8.8
- અમદાવાદ-9.3
- દિશા-9.5
- ગાંધીનગર-7.1
- વિધાનગર-8.8
- બરોડા-8.9
- જૂનાગઢ-7