બાળકના નાના-મોટાં તોફાન વડીલો સહન કરી લે એમાં વડીલોની સમજણ શક્તિ અને “મોટા મનનો પરિચય મળે પણ પાકિસ્તાનના છાશવારે થતા અડપલાંને મૂંગા મોઢે સહન કરતા ભારતના રીઢા અને ઢીલા રાજકારણીઓમાં દેશદાઝ કે દેશહિતનો ક્યાંય પરિચય થતો નથી.
https://www.youtube.com/watch?v=uPbNoZvDAHs
માત્ર એક દિવસ પહેલાં રવિવારે કાશ્મિરના પૂંછ અને રાજોરી વિસ્તારમાં ફરી એકવાર ‘સીઝ ફાયર’ની ઐસીતૈસી કરીને પાકિસ્તાને અંધાધૂંધ ગોળીબાર અને ગોળાની રમઝટ બોલાવી. ચાર નાગરિકોમાં મોત વિનાકારણ થાય એ પણ સહન ન કરી શકાય તો આપણી સેનાના કેપ્ટન કપિલ કુંડુ, રાઇફલમેન રામવતાર, શુભમ સિંહ અને હવાલદાર રોશનસિંહની શહીદી તો કેમ સાંખી લેવાય ?
જો કે છાશવારે થતી આવી ઘટનાઓ અને આપણા જવાનોની શહીદીએ જાણે કે રોજની સામાન્ય બાબત બની ગઇ હોય એવું વાતાવરણ શા માટે ઉભુ થાય છે એ જ સમજાતું નથી. દિલ્હીના રીઢા અને ઢીલા રાજકારણીઓ માટે આ એક સમાચાર માત્ર છે. બહુ થાય તો થોડાક વિરોધના નિવેદન અને પછી શાંતિથી “શાંતિમંત્રણાની વાતો એટલે જવાબદારી પૂરી !!
સેનાએ આવા છમકલાંનો “મુંહતોડ જવાબ આપ્યો એ શબ્દો હવે સામાન્ય નાગરિકને હરખાવી તો શું, હસાવી પણ નથી શકતા- એકથી સામે દશનો રેશિયો કાગળ પર મૂકીને જવામર્દી અને બહાદુરીનાં ગીતો ગાવાં કે નક્કર પરિણામ માટે “આ પાર કે પેલે પારની નીતી રાખવી ?
સૈન્ય અને સામાન્ય નાગરિક બંનેના મનમાં એક જ વાક્ય ઘોળાય છે.
પાર્થને કહો ચડાવે બાણ
હવે તો યુધ્ધ એ જ કલ્યાણ…
કાશ …..આનો સુખદ વિકલ્પ કે યોગ્ય નિરાકરણ સન્વરે મળે !!!