ટાવર સહિતના ઈન્ફાસ્ટ્રકચર પ્રોજેકટ પાછળ એરટેલ અને જીઓ સહિતની કંપનીઓ કરોડોનો ખર્ચો કરશે

ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓ સહિતની ટોચની ટેલીકોમ કંપનીઓ કોલડ્રોપની સમસ્યા નિવારવા માટે રૂ.૭૪ હજાર કરોડના ખર્ચે ઈન્ફાસ્ટ્રકચર ઉભુ કરશે. કંપનીઓ કોલડ્રોપ ઓછા થાય તે માટે ટાવર સહિતનો ઈન્ફાસ્ટ્રકચર પ્રોજેકટ સ્થાપશે.

આ મામલે ટેલીકોમ સેક્રેટરી અરૂણા સુંદરાજને કહ્યું હતું કે, મોબાઈલ ટાવર સ્થાપવા માટે ટેલીકોમ ઓપરેટરો સ્થળ ન હોવાના કારણો આપી રહ્યાં છે. આ ઉપરાંત અન્ય ઘણી સમસ્યાઓ ઈન્ફાસ્ટ્રકચર ઉભુ કરવા સામે નડી રહી છે. ભારતી એરટેલે કહ્યું કે, ૧૬ હજાર કરોડનો ખર્ચ ઈન્ફાસ્ટ્રકચર પાછળ થયો છે. હજુ રૂ.૨૪ હજાર કરોડ ખર્ચવામાં આવશે. રિલાયન્સ જીઓ પણ આગામી નાણાકીય વર્ષમાં ૧ લાખ ટાવર રૂ.૫૦ હજાર કરોડના ખર્ચે ઉભા કરશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, કોલડ્રોપની સમસ્યા અંગે એનાલીસીસ કરવામાં આવ્યું છે. હાલ કોલડ્રોપની સમસ્યા ઓછી થઈ છે પરંતુ વોઈસની ગુણવત્તા સહિતના ઈસ્યુ ઉભા થયા છે. કેટલાક મોબાઈલ પણ ધારા-ધોરણો મુજબની સુવિધા ધરાવતા નથી. ગ્લોબલ ક્ધફોર્મીટી ફ્રેમવર્ક સર્ટીફીકેટ ધરાવતા ન હોય તેવા મોબાઈલ ફોનને કોલડ્રોપની સુવિધા વધુ નડતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મોબાઈલ નેટવર્કમાં ઉપભોગતા દ્વારા થતી છેડછાડથી પણ કોલડ્રોપની સમસ્યા ઉભી થાય છે.

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જ તમામ ટેલીકોમ ઓપરેટરોને પોતાના નેટવર્ક અંગેના ડેટા જમા કરવા કહ્યું છે, આ ઉપરાંત સર્વિસની ગુણવત્તા માપવાની તૈયારી પણ દર્શાવી છે. હાલ તો મોબાઈલ ઓપરેટરોને કોલડ્રોપ નિવારવા ખર્ચ રૂ.૭૪ હજાર કરોડનો થશે તેવું માનવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.