એજીઆર મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો
વોડાફોન આઈડીયા, એરટેલ સહિતની કંપનીઓને મળી રાહત
એકજસ્ટેડ ગ્રોસ રેવન્યુ મામલે સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓને રાહત આપતો આદેશ કર્યો છે. ટેલીકોમ કંપનીઓ પોતાની બાકી એજીઆર ૧૦ વર્ષમાં ચૂકવી શકશે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી વોડાફોન, આઈડીયા તથા એરટેલ કંપનીને મોટી રાહત મળી છે.
એજીઆર કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે ટેલીકોમ કંપનીઓએ પોતાની બાકી રકમના ૧૦ ટકા રકમ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ભરવાની રહેશે અને બાકી રકમ ૧૦ વર્ષમાં ભરવાની રહેશે જસ્ટીસ મિશ્રાએ કહ્યું કે કોવિડ કટોકટીનેઈ આ મુદત આપવામાં આવી છે.
ટેલીકોમ સેવાનો ઉપયોગ કરનારા માટે એ સારા સમાચાર છે કે હવે ટેલીકોમ કંપનીઓ પોતાના દર નહીં વધારે. જસ્ટીસ મિશ્રા ૨ સપ્ટેમ્બરના રોજ નિવૃત થઈ રહ્યા છે. વોડાફોન, આઈડીયા તથા ભારત એરટેલે એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે ૧૫ વર્ષનો સમય માગ્યો હતો. ટેલીકોમ કંપનીઓએ સરકારે કુલ ૧.૬૯ લાખ કરોડ રૂપીયા ચૂકવવાનાં છે તેમાંથી ૧૫ કંપનીઓએ રૂા.૩૦૨૫૪ કરોડ ચૂકવી દીધા છે.
એજીઆર શું છે?
સરકારના ટેલીફોન વિભાગ દ્વારા ટેલીકોમ કંપનીઓ પાસેથી લેવાનો યુજર્સ ચાર્જ અને લાયસન્સીંગ ફી છે જે અનુક્રમે ૩ થી ૫ ટકા અને ૮ ટકા હોય છે.
ટેલીકોમ વિભાગનું કહેવું છે કે એજીઆરની ગણત્રી કોઈપણ ટેલીકોમ કંપનીને થતી કુલ આવક અથવા આવકના આધાર પર થવી જોઈએ જેમાં ડિપોનીટનું વ્યાજ, સંપતિ વેચાણથી થતી બિન ટેલીકોમ સ્ત્રોતથી આવક પણ સામેલ છે. બીજી તરફ ટેલીકોમ કંપનીઓનું કહેવું છે કે એજીઆરની ગણત્રી ફકત ટેલીફોન સેવાઓ થકી થતી આવકના આધારે જ થવી જોઈએ પરંતુ ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓ વિરૂધ્ધ ચૂકાદો આપ્યો હતો અને એજીઆરની બાકી રકમ તત્કાલ ચૂકવવા ટેલીકોમ કંપનીઓને આદેશ કર્યો હતો. દેશની લગભગ ૧૫ ટેલીકોમ કંપનીઓને દૂરસંચાર વિભાગને રૂા.૧.૬૯ લાખ કરોડ ચૂકવવાના થાય છે.