વોડાફોન-આઈડીયાએ ટાવરો વહેંચવા કાઢયા: આરકોમ દ્વારા પણ લોન ચુકવવા દોડધામ
રીલાયન્સ જીઓ લોન્ચ થયા બાદ ટેલીકોમ માર્કેટમાં મોટાપાયે હરીફાઈ શરૂ થઈ છે. જેમાં જીઓની લોકપ્રિયતાના કારણે અન્ય ટેલીકોમ કંપનીઓનું જીવવુ મુશ્કેલ બન્યું છે. એક તરફ ટેલીકોમ કંપનીઓ ૮ લાખ કરોડના દેવા ઉપર બેઠી છે. જયારે હવે ટેલીકોમ કંપનીઓને લોન આપનારી બેંકોના પણ જીવ તાળવે ચોટયા છે.
થોડા સમય અગાઉ રીઝર્વ બેંકે અન્ય બેંકોને સુચના આપી હતી કે, ટેલીકોમ કંપનીઓને લોન આપતા પહેલા ખાસ ધ્યાન આપવું પરંતુ રીઝર્વ બેંકની આ સુચના ઘોડા છુટયા બાદ તબેલાને તાળા મારવા જેવી બની હતી. કારણકે અગાઉથી જ ટેલીકોમ કંપનીઓને મોટાપાયે લોન આપી છે અને જીઓની ધમાકેદાર એન્ટ્રી બાદ અન્ય ટેલીકોમ કંપનીઓ હવે પાણીમાં બેસી રહી છે. દેણુ વધી જતા હવે ટેલીકોમ કંપનીઓ પોતાની મિલ્કતો વહેંચી રહી છે અને મિલ્કતોના વેચાણથી ‚પિયા એકઠા કરવાના પ્રયાસો શ‚ કર્યા છે. આ પરિસ્થિતિમાં કેનેડીયન અલ્ટનેટીવ એસેટ મેનેજર ગ્રુપ ફીલ્ડ એસેટ મેનેજમેન્ટએ આઈડીયા સેલ્યુલર અને વોડાફોન ઈન્ડિયા પાસેથી તેમના સ્વતંત્ર ટેલીકોમ ટાવર બિઝનેસ ખરીદવા માટે વાટાઘાટ શ‚ કરી છે. બંને કંપનીઓના કુલ ટાવર્સનું સંયુકત મુલ્ય ૬,૪૫૪ કરોડ હોવાની સંભાવના છે. જોકે ટાવર કંપનીઓ ૧.૩ અબજ ડોલરનું વેલ્યુએશન ઈચ્છે છે.
આ સોદો સ્લમ્પ સેલના સ્વ‚પમાં રહેવાની શકયતા છે. તેમ સુત્રો દ્વારા કહેવામાં આવ્યું છે. સ્લમ્પ સેલમાં વર્તમાન કે નવી રચાયેલી કંપનીમાં પોતાનો સંપૂર્ણ કે આંશિક બિઝનેસ ટ્રાન્સફર કરે છે. જેમાં વહેંચવામાં આવી રહેલા બિઝનેસનું અલગથી મૂલ્ય જોડવામાં આવતું નથી.ગ્રુપ ફિલ્ડ સાથેનો આ સોદો એકાદ મહિનામાં થાય તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આઈડીયા ૧૧ હજાર કેપ્ટીવ ટાવર ધરાવે છે. જયારે વોડાફોન ઈન્ડિયા પાસે ૧૦,૯૨૬ ટાવર્સની સીધી માલિકી છે. બંને કંપનીઓ ટેલીકોમ ટાવર્સનું સંયુકત ટાવર્સ ઈન્ડર્સ ટાવર્સ પણ ધરાવે છે.
વોડાફોનના પ્રવકતાએ કહ્યુ હતું કે તેઓ ટાવર્સ વહેંચવા માટેની સંભવિત તકો જોતા રહેશે અને આ બાબતે પક્ષકારો દ્વારા સંપર્ક પણ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ સોદો થયો નથી. બીજી તરફ આઈડીયાએ કોઈપણ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.
બીજી તરફ રીલાયન્સ કોમ્યુનીકેશનની પણ નાણાકીય સ્થિતિ ક્રેડીટ રેટીંગ એજન્સીઓની ધારણા કરતા વધુ વિકટ બની છે. એડીએજી ગ્રુપની મોબાઈલ કંપની ૧૦ થી વધારે સ્થાનિક બેંકોની લોન ચુકવવામાં નિષ્ફળ રહી છે. ત્યારે કેટલીક બેંકોએ આ એકસ્પોઝરને પોતાની એસેટ બુકમાં સ્પેશ્યલ મેન્શન એકાઉન્ટ તરીકે સ્થાન આપ્યું છે. એસએનએ એસેટસ એવી લોન હોય છે જયાં લોનધારક માટે વ્યાજની ચુકવણી બાકી હોય. રકમ ભરવાની બાકી હોય તેના ૩૦ દિવસની અંદર લોન ચુકવવામાં આવે તો તેને એસએમએ-૧માં મુકવામાં આવે છે અને ૬૦ દિવસમાં ન ચુકવાય તો એસએમએ-૨માં મુકાય છે અને જો વ્યાજની ચુકવણી ૯૦ દિવસ સુધી કરવામાં ન આવે તો આવી લોન એમપીએ બને છે.
રેટીંગ એજન્સી ઈકરા અને કેરે આરકોમના બોન્ડને ડાઉનગ્રેડ કર્યા બાદ છેલ્લા બે સપ્તાહમાં આરકોમનો શેર ૨૦ ટકાથી વધારે ઘટયો છે. ભારતીય ટેલીકોમ બજારમાં દબાણ છે અને કંપની દેવાના ડુંગર હેઠળ દબાયેલી છે. આ પરિસ્થિતિમાં આરકોમે પણ એરટેલ સાથે કરાર અને બ્રુકફિલ્ડ ટ્રાન્જેકશન બાદ આરકોમે તમામ ધિરાણકારોને ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ અથવા તેનાથી પહેલા ૨૫,૦૦૦ કરોડની ચુકવણી કરવાનુ જણાવ્યું છે. આરકોમે જાન્યુઆરથી માર્ચ કવાર્ટરમાં ૯૬૬ કરોડની ખોટ કરી હતી. આ તેની બીજી સળંગ ત્રિમાસિક ખોટ હતી. ૩૧ માર્ચના આંકડા પ્રમાણે કંપની ઉપર ૪૨,૦૦૦ કરોડનું દેવુ હતું. આવી જ રીતે મોટાભાગની ટેલીકોમ કંપનીઓ દેવાના ડુંગર નીચે દબાયેલી છે. તેવામાં બેંકો પણ હવે ટેલીકોમ કંપનીઓના દેવા બાબતે વધુ ગંભીર બની છે.