તમે અત્યાર સુધી હત્યા, આત્મહત્યાના અનેક કિસ્સા સાંભળ્યા કે જોયા હશે. પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યુ છે કે, કોઈ જાનવર કે પશુએ તેના માલિકની હત્યા કરી નાખી હોય. નહીં જ સાંભળી હોય, પરંતુ તેલંગાણામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મરઘાએ તેના માલિકની હત્યા કરી નાખી છે. આ બનાવ જાગતીયાલ જિલ્લાના લથુનુર ગામનો છે. જ્યાં ગેરકાયદે રીતે મરઘીઓની લડત યોજાય છે. અહી મરધીના પગ નજીક પડેલી છરી આકસ્મિક રીતે તેના માલિકની કમર નીચે સરકતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. અને અંતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
શું છે સમગ્ર મામલો ??
45 વર્ષિય થાનુગુલ્લા સતીષ નામનો એક વ્યક્તિ તેના મરઘાંના પગ પર ‘કોડી કાઠી’ (એક ખાસ પ્રકારની છરી) બાંધતો હતો. પરંતુ મરઘાથી આકસ્મિક રીતે છરી તેના માલિકની કમર નીચે પડી. આ બનાવથી આસપાસના લોકો એકઠા થઈ ગયા. અને સતીષના શરીરમાંથી લોહી નીકળતું જોઇ તેને હોસ્પિટલમાં ખસેડાયો. જ્યાં તેને સારવાર દરમિયાન મૃત જાહેર કરાયો. ઉલ્લેખનીય છે કે, તેલંગાણા સહિતના મોટાભાગના રાજ્યોમાં મરઘાઓની લડાઈ પર પ્રતિબંધ છે, તેથી આ કાર્યક્રમને કેટલાક લોકોએ ગુપ્ત રીતે ગામના યેલમ્મા મંદિર નજીક યોજ્યો હતો.
આ ઘટના બાદ પોલીસે સ્થળ પહોંચી મરઘાને ગોલાપલ્લી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી. જ્યાં તેને રાખી મુકવામાં આવ્યો છે. હાલ, પોલીસકર્મીઓ જ તેની સંભાળ લઈ રહ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે આ મરઘાની હત્યાના આરોપમા ધરપકડ કરી છે. અને હવે, તેને કોર્ટમાં રજૂ કરાશે. પરંતુ પોલીસે આ અહેવાલોને નકારી દીધા છે.
ગોલાપલ્લી પોલીસ સ્ટેશનના અધિકારી બી.આર. જીવને સ્પષ્ટતા કરી કે, મરઘીની ધરપકડ કરવામાં આવી નથી કે અટકાયતમાં લેવામાં આવી નથી. માત્ર દેખભાળના હેતુથી તેને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવી છે. આ ઘટના આકસ્મિક છે, મરઘાં સાથે બદલો લેવાના આશ્રયથી કોઈ પણ તેને નુકસાન પહોચાડી શકે છે, આથી પોલીસે તેના રક્ષણની જવાબદારી લીધી છે. થોડાં સમય બાદ તેને નજીકના પોલ્યુટ્રી ફાર્મમાં મોકલાશે.