- હવે દાંત “ખાટા” નહીં થાય!!!
- વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત પ્રયોગશાળામાં માનવ દાંત ઉગાડવામાં સફળતા મેળવી: આ દાંત અસલી દાંતની જેમ જ વર્તે છે
વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે. વૈજ્ઞાનિકો રોગોની રસીથી શરૂ કરીને મિસાઈલ સુધીની તમામ વસ્તુઓ બનાવવામાં સફળ રહ્યા છે. ત્યારે ફરી વિજ્ઞાન ક્ષેત્રમાં એક મોટી સફળતા હાંસલ થઈ છે. વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત પ્રયોગશાળામાં માનવ દાંત ઉગાડવામાં સફળતા મેળવી છે. આ પ્રયોગશાળામાં તૈયાર થયેલા દાંત એટલા સક્ષમ છે કે તે જડબાના હાડકામાં કુદરતી રીતે જોડાઈ શકે છે અને પોતાની જાતે જ રિપેર પણ થઈ શકે છે, જે આપણા અસલી દાંતની જેમ જ વર્તે છે.આ સંશોધન દંત ચિકિત્સામાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. ભવિષ્યમાં આ ટેકનોલોજી દાંતના ઇમ્પ્લાન્ટ અને ફિલિંગની જરૂરિયાતને ખતમ કરી શકે છે, કારણ કે ઇમ્પ્લાન્ટ અને ફિલિંગ કાયમી નથી હોતા અને સમય સાથે તેમાં બદલાવ આવતો નથી.સામાન્ય રીતે, એકવાર દાંત પડી જાય પછી મનુષ્ય તેને ફરીથી ઉગાડી શકતા નથી. પરંતુ હવે, દર્દીના પોતાના કોષોમાંથી બનેલા આ પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા દાંત કુદરતી દાંત જેટલા જ સારા સાબિત થઈ શકે છે.
લંડનની કિંગ્સ કોલેજના સંશોધકોએ આ અદ્ભુત સિદ્ધિ મેળવી છે, જે ભવિષ્યમાં લોકોને તેમના ખોવાયેલા દાંત ફરીથી મેળવવામાં મદદ કરી શકે છે. આ એક મોટું પરિવર્તન લાવી શકે છે, કારણ કે દાંતમાં પૂરાણ (ફિલિંગ) કરાવવું કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરાવવું ટૂંક સમય માટે કારગત નીવડે છે.વૈજ્ઞાનિકોની ટીમે એક એવી ખાસ સામગ્રી બનાવી છે જે દાંતના વિકાસ માટે જરૂરી વાતાવરણ પ્રયોગશાળામાં ઊભું કરે છે. આનાથી કોષો એકબીજાને સંકેતો મોકલી શકે છે અને દાંત બનાવવાનું શરૂ કરી શકે છે.કિંગ્સ કોલેજ લંડનના રિજનરેટિવ ડેન્ટિસ્ટ્રી વિભાગના ડિરેક્ટર ડો. એના એન્જેલોવા-વોલ્પોનીએ જણાવ્યું કે આ સંશોધન ” દાંત સંભાળમાં ક્રાંતિ લાવી શકે છે.” આ સફળતા એક દાયકાથી વધુ સમયના સંશોધન પછી મળી છે. આ સંશોધન ઇમ્પિરિયલ કોલેજ લંડનના સહયોગથી કરવામાં આવ્યું હતું.
દાંતને સુધારવા માટે ફિલિંગ હંમેશા શ્રેષ્ઠ ઉપાય નથી હોતું. સમય જતાં, તે દાંતના બંધારણને નબળું પાડે છે, તેમનું આયુષ્ય ઘટાડે છે અને વધુ સડો અથવા સંવેદનશીલતાનું કારણ બની શકે છે. સંશોધક ઝુચેન ઝાંગે જણાવ્યું હતું કે, “ઇમ્પ્લાન્ટ માટે મોટી સર્જરીની જરૂર પડે છે અને ઇમ્પ્લાન્ટ તથા જડબાના હાડકાનું સારી રીતે જોડાણ થવું જરૂરી છે. આ બંને ઉપાય કૃત્રિમ છે અને કુદરતી દાંતની કાર્યક્ષમતાને સંપૂર્ણપણે પાછી લાવી શકતા નથી, જેના કારણે લાંબા ગાળે સમસ્યાઓ થઈ શકે છે.”તેમણે વધુમાં કહ્યું કે, “પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા દાંત કુદરતી રીતે વિકાસ પામશે અને અસલી દાંતની જેમ જ જડબામાં જોડાઈ જશે. તે મજબૂત હશે, લાંબા સમય સુધી ચાલશે અને તેને શરીર દ્વારા નકારવામાં આવવાનું જોખમ પણ નહીં રહે. આ ફિલિંગ અથવા ઇમ્પ્લાન્ટ કરતાં વધુ ટકાઉ અને શરીર માટે વધુ અનુકૂળ ઉકેલ સાબિત થશે.”
અગાઉ પ્રયોગશાળામાં આ પ્રક્રિયાને ફરીથી બનાવવાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા, કારણ કે કોષો એકબીજા સાથે યોગ્ય રીતે વાતચીત કરી શકતા ન હતા. હવે સંશોધકો બે સંભવિત રીતો પર વિચાર કરી રહ્યા છે. એક રીત એ છે કે દાંતને પ્રયોગશાળામાં પૂરો ઉગાડીને પછી તેને જડબામાં રોપવો. બીજી રીત એ છે કે દર્દીના જડબામાં સીધા જ શરૂઆતના તબક્કાના દાંતના કોષો મૂકવા, જ્યાં તે વિકાસ પામી શકે. આ બંને વિકલ્પો માટે, આપણે પ્રયોગશાળામાં દાંતના વિકાસની ખૂબ જ શરૂઆતની પ્રક્રિયા શરૂ કરવાની જરૂર પડશે.”