- 700 જેટલી બહેનો અને 30 જેટલાં ભાઈઓ મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી અર્થે પહોંચ્યા
ભાઈ-બહેનના પવિત્ર બંધનનું પ્રતીક એટલે કે રક્ષાસૂત્ર. રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેન ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય તેમજ સુખાકારી માટે પ્રાર્થના કરે છે જયારે સામે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં ભાઈ બહેનની રક્ષા માટે હાજર રહેશે તેવી આશા રાખતી હોય છે. ભાઈ – બહેનના પવિત્ર પર્વની ઉજવણી દેશ-વિદેશમાં કરવામાં આવે છે. ત્યારે દર વર્ષે આ પર્વની જેલ ખાતે પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. બહેનો જયારે ભાઈને રક્ષાસૂત્ર બાંધવા જેલ ખાતે આવતી હોય છે ત્યારે કેદીના કપડામાં રહેલા ભાઈને જોઈ બહેનની આંખો ભીંજાઈ જતી હોય છે અને બહેનના રુદનને જોઈ ભાઈના આંખમાં આંસુ આવી જતાં હોય છે. આ એવી ઘડી હોય છે કે, જયારે એક ગુનાની સજા ફક્ત આરોપીને નહિ પણ આખા પરિવારને મળી રહી છે તેવો અહેસાસ સો ટકા કેદીને થતો હોય છે. ત્યારે વધુ એકવાર આજે જેલ ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી માટે 700 જેટલાં બંદીવાનોના ભાઈ અથવા બહેન જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી માટે પહોંચ્યા હતા. જેને ધ્યાને રાખીને જેલ તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી. રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બહેનો તેમના ભાઈને રક્ષાસૂત્ર બાંધવા માટે સવારે 8 વાગ્યાંથી પહોંચ્યા હતા.
જેલ પરિસરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી વિના કોઈ વિઘ્ને થઇ શકે તેના માટે જેલ તંત્રની માંગણી સામે 15 પોલીસકર્મીઓ, 10 મહિલા પોલીસકર્મીઓ અને એક પીએસઆઈને જેલ પરિસરમાં બંદોબસ્ત અર્થે ફાળવવામાં આવ્યા હતા. જેમણે બંદોબસ્ત જાળવ્યો હતો. જેલ ગાર્ડ પણ પોલીસ કર્મચારીઓની સાથે બંદોબસ્તમાં જોડાયા હતા.
આ ઉપરાંત રક્ષાબંધનની ઉજવણી માટે જેલ તંત્ર દ્વારા તમામ બહેનોને રક્ષાસૂત્ર તેમજ મીઠાઈ લઇ આવવાની છુટ આપવામાં આવી હતી. ઉપરાંત જેલની અંદર બનાવવામાં આવેલી મીઠાઈનું રાહત દરે વેચાણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ રક્ષાબંધનની ઉજવણી માટે કંકુ, ચોખા, સુસોભીત થાળીની વ્યવસ્થા પણ જેલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.