મોરબી શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ગુમસુમ અવસ્થામાં એક વૃધ્ધા બેઠા હોવાનો કોલ ૧૮૧ ટીમને મળતા કાઉન્સિલિંગ કરી ટીમ દ્વારા આ પરપ્રાંતીય વૃધ્ધાનું તેમની પુત્રી સાથે સુખદ મિલન કરવાયું હતું.
મોરબી ૧૮૧ ટીમને થર્ડ પાર્ટી કોલ દ્વારા વિગત મળી હતી કે એક ૬૫ વર્ષના વૃદ્ધ ગુમસુમ બનીને બેઠા છે અને બોલાવવા છતાં બોલતા પણ નથી જેથી ૧૮૧ ટીમના કાઉન્સિલર જાગૃતિ મકવાણા અને પાયલોટ દિલીપ દુબરીયા તુરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઊંડાણ પૂર્વક કાઉન્સિલિંગ કરતા વૃધ્ધાએ સઘળી હકીકત જણાવી પોતે ભુલા પડી ગયા હોવાનું જણવાયું હતું.
વધુમાં આ વૃધ્ધા મૂળ એમપીના હોવાનું અને તેમનો પુત્ર કોઈ યુવતી સાથે લગ્ન કરી જતો રહ્યો હોવાનું જણાવી હાલ તેઓ પોતાની પુત્રી સાથે ટંકારા તાલુકાના ઓટાળા નજીક રહેતા હોવાનું જણાવ્યું હતું.
બાદમાં ૧૮૧ ટીમ દ્વારા ઓટાળા ગામે તપાસ કરી પરપ્રાંતીય વૃધ્ધાની પુત્રીનો પતો મેળવી ત્યાં પહોંચી પુત્રી સાથે સુખદ મિલાન કરાવ્યું હતું.