લોકસભામાં ફેરફારની વિગતો મેળવી વિસ્તૃત અહેવાલ રાહુલ ગાંધીને સોંપશે
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની દક્ષિણ ગુજરાતની મુલાકાતનો બુધવારે જંબુસરથી પ્રારંભ થયો છે ત્યારે બીજીતરફ પ્રશાંત કિશોરની ટીમે ગુજરાતમાં કોંગ્રેસની ગ્રાઉન્ડ રિયાલીટી જાણવા માટે ધામા નાખ્યા છે. ૨૦ સભ્યોની આ ટીમ ગુજરાતમાં રાહુલ ગાંધીની ત્રણ મુલાકાત પછી લોકોના માનસમાં કેવો ફેરફાર થયો છે અને ગુજરાતમાં કોંગ્રેસની વાસ્તવિક સ્થિતિ શું છે તેની રજેરજની માહિતી મેળવીને એક વિસ્તત અહેવાલ તૈયાર કરીને કોંગ્રેસ ઉપાધ્યક્ષને આપશે.કોંગ્રેસના વિશ્વસનિય સૂત્રોના જણાવ્યા મુજબ એકતરફ રાહુલ ગાંધી સાથે પ્રદેશના ટોચના નેતાઓ દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે ત્યારે રાહુલ ગાંધીના વિશ્વાસુ પ્રશાંત કિશોરની ટીમે ગુજરાતમાં ગ્રાસરૂટની સ્થિતિનો સરવે શરૂ કર્યો છે. ૨૦ સભ્યોની આ ટીમ પાંચ-પાંચ સભ્યોની ટૂકડીમાં વહેંચાઈને જુદા જુદા ચાર ઝોન અને મહાનગરો તથા ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની વાસ્તવિક સ્થિતિનો ચિતાર મે્ળવશે.
અલબત્ત, આ ટીમ પ્રદેશથી માંડીને તાલુકા સ્તરના તમામ નેતાઓને દૂર રાખીને પોતાની રીતે રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવશે. આ ટીમ અમદાવાદની એક ખાનગી હોટલમાં રોકાઈ છે અને આગામી બે-ત્રણ દિવસમાં જુદા જુદા વર્ગના લોકોને મળીને કોંગ્રેસ અંગેના તેમના અભિપ્રાય-મંતવ્યો જાણશે.
કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીએ અત્યારસુધીમાં વિધાનસભાની ૧૦૦ બેઠકના સીંગલ ઉમેદવારો નક્કી કર્યા છે અને આમાંથી કેટલાક ઉમેદવારોને ખાનગીમાં ચૂંટણી લડવા તૈયાર રહેવાનું કહેવાનો તબક્કો નજીક આવતો હોવાથી આ ટીમ સંભવિત ઉમેદવારો અંગેની પણ માહિતી મેળવશે તેવું જાણવા મળ્યું છે. આ ટીમ દ્વારા કોંગ્રેસની નબળાઈ ગણાતા શહેરી વિસ્તારમાં ઉમેદવારોની પસંદગી પહેલાં આ ડિટેઈલ સરવે કરવાની કપરી કામગીરી સોંપવામાં આવી હોવાનું જણાવતાં સૂત્રોએ ઉમેર્યું કે, રાહુલ ગાંધીની ઉત્તર ગુજરાતની મુલાકાત સુધીમાં આ અંગેનો અહેવાલ પણ હાઈકમાન્ડને સુપરત કરાશે.