અમિત જેઠવા હત્યા કેસના સાક્ષીઓને ધમકાવવાના કેસમાં સીબીઆઈને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે. હત્યા કેસમાં ૧૯૫ સાક્ષીઓમાંથી ૧૦૫ સાક્ષી તેમના નિવેદન બદલાવી ચુક્યા છે. સાક્ષીઓને તેમના  નિવેદન બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે તેવો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પુત્રનું અપહરણ કરી સાક્ષીને ખોળવાના ગુનામાં હાઇકોર્ટે નોટિસ ઇશ્યૂ કરી

19મી જુલાઇ સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ: આગામી સુનાવણીમાં હાઇકોર્ટ લેશે નિર્ણય

આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના સાક્ષીઓને ધમકાવવાના કેસમાં સીબીઆઈની તપાસ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે.  જુલાઈ ૨૦૧૯માં સ્થાનિક કોર્ટે મુખ્ય આરોપી અને ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાત દોષીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી.

આરટીઆઈ કાર્યકર અમિત જેઠવા હત્યા કેસમાં ૧૯૫ સાક્ષીઓમાંથી ૧૦૫ સાક્ષીઓએ નિવેદન બદલાવી નાખ્યા છે અને હાલ તેઓ ક્યાં છે તે અંગે સૌ કોઈ અજાણ છે તેવું ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવેલી અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેલમાં રહેલા મુખ્ય આરોપી અને ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીના કહેવા પર બાકીના સાક્ષીઓને ધમકી આપવામાં આવી રહી છે અને તેમનું નિવેદન બદલવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે.

Screenshot 1 19

વરિષ્ઠ એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, દીવ વહીવટીતંત્રના ઘણા અધિકારીઓ અને ઉના ગુજરાત પોલીસ અધિકારીઓ જેઠવા હત્યા કેસથી સંબંધિત સાક્ષીઓને દરરોજ ધમકી આપી રહ્યા છે.  આરટીઆઈ એક્ટિવિસ્ટ મર્ડર કેસ હાઇ પ્રોફાઇલ કેસ હોવાને કારણે સાક્ષીઓ પર કોઈપણ રીતે દબાણ લાવવામાં આવી રહ્યું છે. ૧૦૦ થી વધુ સાક્ષીઓએ તેમના નિવેદનો પાછા ખેંચ્યા છે. માંગણી કરવામાં આવી છે કે, હત્યાના કેસમાં સંબંધિત સાક્ષીઓની ધાકધમકી અને સુરક્ષા સામે ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની ત્વરિત તપાસ પોલીસ મહાનિરીક્ષક(આઈ.જી.) રેન્કના અધિકારી અથવા સીબીઆઈને સોંપવામાં આવે.

હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકારે સીબીઆઈ અને સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી છે અને આગામી સુનાવણી ૧૯મી જુલાઈએ રાખી છે.  જુલાઈ ૨૦૧૦ માં ગુજરાત હાઇકોર્ટની સામે જ જેઠવાની હત્યા કરાઈ હતી.  નવેમ્બર ૨૦૧૩માં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીની હત્યાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.  જુલાઈ ૨૦૧૯ માં સ્થાનિક કોર્ટે સોલંકી સહિત સાત દોષીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

હાલ અરજીમાં જેટલા આક્ષેપ કરવામાં આવ્યા છે તેનો જવાબ રજૂ કરવા હાઇકોર્ટે વિવિધ ઓથોરીટીનર્સ નોટિસ ફટકારી છે અને ઓથોરીટીએ જવાબ ૧૯મી જુલાઈ પૂર્વે રજૂ કરવો પડશે. આગામી સુનાવણીમાં હાઇકોર્ટ નિર્ણય લેશે કે હવે આ તપાસ કોને સોંપવી? નોંધનીય બાબત છે કે, ઉના પોલીસની ટીમના અનેક અધિકારી-કર્મચારીઓની માઠી બેસે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.