ભારતીય ક્રિકેટ ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી
ભારતીય ક્રિકેટ ટીમે શુક્રવારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મેચની ટેસ્ટ શ્રેણી 9 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, જ્યાં બે ટોચની ક્રમાંકિત ટેસ્ટ ટીમો નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં એક-બીજા સામે ટકરાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં બેટ્સમેન ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ એવા ખેલાડીઓમાં સામેલ હતા જેઓ નેટમાં બેટિંગ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. દરમિયાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, જે તમિલનાડુ સામે સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફી મેચ રમ્યા બાદ સીરિઝમાં ભાગ લેવા માટે યોગ્ય માનવામાં આવ્યો હતો, તે પણ બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો.
થોડા કલાકો પછી, બીસીસીઆઈએ પ્રેક્ટિસ સેશનની વધુ તસવીરો શેર કરી. નવી તસવીરોમાં સુકાની રોહિત શર્મા અને તેના ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલ નેટ્સમાં બેટિંગ કરી રહ્યા હતા, જ્યારે ઝડપી બોલર જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ બોલિંગ પ્રેક્ટિસ સાથે પરસેવો પાડી રહ્યા હતા. બીજી તરફ મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયા હાલમાં બેંગલુરુમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી રહી છે
ઓસ્ટ્રેલિયા અને ભારત, હાલમાં મેન્સ ટેસ્ટ ટીમ રેન્કિંગમાં અનુક્રમે નંબર વન અને બીજા ક્રમે છે, બને ટીમ નાગપુર, નવી દિલ્હી, ધર્મશાલા અને અમદાવાદમાં યોજાનારી ચાર મેચોની શ્રેણીમાં ટકરાશે. ભારત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વિજેતા છે, જેણે ઓસ્ટ્રેલિયા સામે 2017, 2018-19 અને 2020-21માં છેલ્લી ત્રણ શ્રેણી જીતી છે. ભારતે 14 ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની યજમાની કરી છે. જેમાં ઈન્ડિયા 8-4ની લીડથી આગળ છે અને બે ડ્રો રહી. આ સીરિઝમાં ખાસ નજર શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા પર રહેશે. આ ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે પણ આ સીરિઝ ખૂબ જ મહત્વની રહેશે.