ત્રણ મેચની સિરીઝમાં કીવીએ 1-0ની સરસાઈ મેળવી: સુંદરની ફિફટી એળે ગઈ, અર્શદીપની છેલ્લી ઓવર ભારતની હારનું કારણ બની
કીવીના સ્પિનરો સામે ભારતીય બેટ્સમેનો લાચાર બની ગયા હતા.ડેવોન કોનવે અને ડેરીલ મિચેલની તોફાની અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે રાંચી ખાતે રમાયેલી પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં ભારત સામે 21 રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ પ્રવાસી ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય યુવા ટીમે સ્પિનરો સામે વધુ મજબૂતાઈ સાથે બેટિંગ કરવાની જરૂર છે.
ન્યૂઝીલેન્ડે ઓપનર કોનવે અને મિચેલની અડધી સદીની મદદથી નિર્ધારીત 20 ઓવરમાં છ વિકેટે 176 રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. 177 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. જોકે, કેપ્ટન હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરે થોડી લડત આપી હતી પરંતુ તેઓ ટીમને વિજય અપાવી શક્યા ન હતા. ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 155 રન નોંધાવી શકી હતી. વોશિંગ્ટન સુંદરે 28 બોલમાં 50 રન ફટકાર્યા હતા પરંતુ તેની અડધી સદી એળે ગઈ હતી.
177 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. શુભમન ગિલ અને ઈશાન કિશનની ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી. બીજી જ ઓવરમાં ઈશાન કિશન આઉટ થઈ ગયો હતો. તેણે પાંચ બોલમાં ફક્ત ચાર રન જ નોંધાવ્યા હતા. ત્યારબાદ બેટિંગમાં આવેલો રાહુલ ત્રિપાઠી પણ નિષ્ફળ રહ્યો હતો. તે છ બોલ રમ્યો હતો પરંતુ ખાતું પણ ખોલાવી શક્યો નહતો. જ્યારે શુભમન ગિલ સાત રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ભારતે 15 રનમાં ટોચની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી
ટોપ ઓર્ડર નિષ્ફળ ગયા બાદ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની જોડીએ થોડી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 68 રનની ભાગીદારી નોંધાવી હતી અને આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. જોકે, આ બંનેની વિકેટો ઉપરા-ઉપરી પડતાં ભારત ફરીથી મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું. સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 47 રન ફટકાર્યા હતા. જેમાં છ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. જ્યારે હાર્દિક પંડ્યા 20 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 21 રન નોંધાવીને આઉટ થયો હતો.
વોશિંગ્ટન સુંદરે તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. જોકે, તેની અડધી સદી ટીમના વિજય માટે પૂરતી ન હતી. સુંદરે પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 50 રન ફટકાર્યા હતા. મિચેલ બ્રાસવેલ, મિશેલ સેન્ટનર અને લોકી ફર્ગ્યુસને બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે જેકોબ ડફી અને ઈશ સોઢીને એક-એક સફળતા મળી હતી.