- ઇંગ્લેન્ડની ટીમ સોમવારે રાજકોટ આવી પહોંચશે: ગુરૂવારથી ત્રીજી ટેસ્ટ
આગામી રવિવારથી રાજકોટમાં જબ્બરદસ્ત ક્રિકેટ ફીવર છવાશે. આઇડીએફસી ફર્સ્ટ બેંક ટેસ્ટ સિરીઝ-2024ની ત્રીજી ટેસ્ટ મેચ આગામી 15 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઇન્ડિયાનું આગામી રવિવારે રાજકોટમાં આગમન થશે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ સોમવારે રાજકોટ આવી પહોંચશે. બંને ટીમો મંગળવાર અને બુધવારે નેટ પ્રેક્ટિસ કરશે. જ્યારે ગુરૂવારથી ત્રીજી ટેસ્ટનો આરંભ થશે. આજથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા બોક્સ ઓફિસ પરથી ટિકિટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. મેચના દિવસે પણ સવારે 8:00થી લઇ સાંજના 4:00 વાગ્યા સુધી ક્રિકેટપ્રેમીઓને ટિકિટ વિન્ડો પરથી ટિકિટ મળશે.
હાલ ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં 1-1ની બરાબરી પર ચાલી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. આ ટેસ્ટ બંને ટીમો શ્રેણીમાં લીડ હાંસલ કરવાનો પ્રયાસ કરશે. ટી-20 ક્રિકેટના આગમન બાદ ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેની રૂચીમાં ક્રિકેટપ્રેમીઓમાં ઘટાડો આવી ગયો છે. જેના કારણે ટિકિટના દર પણ ખૂબ જ નજીવા રાખવામાં આવ્યા છે. આટલું જ નહિં એકસાથે પાંચ દિવસની ખરીદવાના બદલે ક્રિકેટપ્રેમીઓ માત્ર એક દિવસની પણ ટિકિટ ખરીદી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
સાઉથ પેવેલીયનમાં લેવલ-1, બ્લોક-1 અથવા 2ની ટિકિટનો ભાવ રૂ.5000, જ્યારે સીંગલ-ડેની ટિકિટના ભાવ રૂ.1200, લેવલ-2, બ્લોક-જેકેએલએમમાં હોસ્પિટાલીટી સાથે ટિકિટનો ભાવ રૂ.25,000, લેવલ-3ની ટિકિટનો ભાવ રૂ.2,000 અને સીંગલ-ડેની ટિકિટના ભાવ રૂ.450, કોર્પોરેટર બોક્સમાં રૂ.10,000 નિયત કરાયા છે. જ્યારે વેસ્ટ ઝોન લેવલ-1ની ટિકિટનો ભાવ રૂ.1000, લેવલ-2ની ટિકિટનો ભાવ રૂ.1200 અને લેવલ-3ની ટિકિટનો ભાવ રૂ.1200 છે. જ્યારે અનુક્રમે આ ત્રણેય લેવલમાં સીંગલ-ડે ટિકિટનો ભાવ રૂ.250 અને 300 રાખવામાં આવ્યા છે. કોર્પોરેટર પ્રિમીયમ બોક્સ લેવલ-2 અને 3ની ટિકિટનો ભાવ રૂ.10,000 રાખવામાં આવ્યો છે. જ્યારે ઇસ્ટ સ્ટેન્ડમાં લેવલ-1, 2 અને 3માં ટિકિટનો દર રૂ.500 અને સિઝન ટિકિટનો ભાવ રૂ.120 રાખવામાં આવ્યો છે.
ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી હોટેલ સયાજીમાં રોકાશે જ્યારે ઇંગ્લેન્ડની ટીમને 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમો 10 દિવસ સુધી રાજકોટમાં રોકાણ કરવાની હોય આગામી રવિવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટપ્રેમીઓ ક્રિકેટ ફીવરમાં જકડાઇ જશે.