વર્લ્ડકપ પહેલા સૌરાષ્ટ્રમાં છવાશે ક્રિકેટ ફિવર
ર7મી સપ્ટેમ્બરે ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે, 1પ થી 19 ફેબ્રુઆરી-2024 ભારત-ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા રાજકોટમાં ફરી ક્રિકેટ ફિવર છવાશે. આગામી 17મી સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી ત્રણ વન-ડે શ્રેણી પૈકીનો અંતિમ વન-ડે જયારે 1પ થી 19 ફેબ્રુઆરીના રોજ ઇગ્લેન્ડ સામે રમાનારી પાંચ ટેસ્ટ મેચ પૈકીની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે બીસીસીઆઇ દ્વારા રાજકોટને વન-ડે અને ટેસ્ટ એમ બે મેચની ફાળવણી કરતા ક્રિકેટ રસીકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
આઇસીસી ક્રિકેટ વિશ્વ કપ માટે શોર્ટ લીસ્ટ કરવામાં આવેલા 1ર શહેરોમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરમિયાન રાજકોટને વર્લ્ડ કપની એકપણ પ્રેકટીસ મેચ કે લીગ મેચની ફાળવણી કરવામાં ન આવતા સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે. દરમિયાન બીસીસીઆઇ દ્વારા ગઇકાલે ટીમ ઇન્ડીયાના હોમ શેડયુલ્ડની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વ કમનો આરંભ પ ઓકટોબરથી થઇ રહ્યો છે.
તે પૂર્વ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરીઝ રમાશે જેમાં શ્રેણીનો ત્રીજો અને અંતિમ વન-ડે ર7મી સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે રમાશે. સીરીઝની પ્રથમ વન-ડે રરમી સપ્ટેમ્બરના રોજ માહોલી ખાતે બીજો મેચ ર4મી સપ્ટેમ્બરના રોજ ઇન્દોર ખાતે રમાશે વર્લ્ડ કપ પહેલા રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાશે રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આ પૂર્વ બે વન-ડે મેચ રમાય ચૂકી છે. જેમાં તા. 7/10/1986 ના રોજ માધવરાય સિંધીયા ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલીયાની ટીમનો 7 વિકેટે વિજય થયો હતો. દરમિયાન બીજી વન-ડે 34 વર્ષના લાંબા અંતરાલ બાદ તા. 17-1-2020 ના રોજ ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાય હતી. જેમાં ભારતનો 36 રન વિજય થયો હતો. રાજકોટમાં 1પ વન-ડે મેચ રમાયા છે. જેમાં 7માં ભારતનો વિજય થયો છે. જયારે આઠ મેચમાં ટીમ ઇન્ડીયાએ પરાજયનો સામનો કરવો પડયો છે.
ઓસ્ટ્રેલીયાની ટીમ ભારતના પ્રવાસ દરમિયાન ત્રણ વન-ડે ઉપરાંત પાંચ ટી-ર0 મેચ પણ રમશે ટવેન્ટી-ર0 મેચ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ચોથા દિવસે રમાશે પ્રથમ ટી-ર0 મેચ ર3 નવેમ્બરે, બીજી મેચ ર6મી નવેમ્બરે, ર8મી નવેમ્બરે ત્રીજી મેચ, 1 ડિસેમ્બરે ચોથી ટી-ર0 અને પાંચમી ટી-ર0 મેચ 3 ડિસેમ્બરના રોજ રમાશે.
ત્યારબાદ ઘર આંગણે ભારત અફઘાનિસ્તાન સામે ત્રણ ટવેન્ટી-ર0 મેચ રમશે પ્રથમ મેચ 11મી જાન્યુઆરીના રોજ મોહાલી ખાતે, બીજી ટી-ર0 મેચ 14મી જાન્યુઆરીના રોજ ઇન્દોર ખાતે જયારે ત્રીજી ટી-ર0 મેચ 17મી જાન્યુઆરીના રોજ બેંગાલુરૂ ખાતે રમાશે.
નવા વર્ષમાં ઇગ્લેન્ડની ટીમ પણ ભારતમાં પાંચ ટેસ્ટ મેચ રમવા માટે આવશે જે પૈકી સિરીઝનો ત્રીજો ટેસ્ટ મેચ 1પ થી 19 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટ ખાતે રમાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની ધરતી પ્રથમ ટેસ્ટ મેચ પણ ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાયો હતો. 9 થી 13 નવેમ્બર 2016 દરમિયાન રમાયેલો આ પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમ્યો હતો. જયારે બીજો ટેસ્ટ મેચ 4 થી 8 ઓકટોબર દરમિયાન ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયો હતો. જેમાં ભારતનો એક ઇનીંગ તથા ર7ર રને શાનદાર જીત થઇ હતી.
રાજકોટને આઇપીએલ બાદ ક્રિકેટ વર્લ્ડ કપનો પણ એક પણ મેચ ન ફાળવતા ક્રિકેટ રસિકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી. જો કે બીસીસીસીઆઇ દ્વારા રાજકોટને ડબલ બોનાન્ઝા આપવામાં આવ્યા છે. જેમાં ઓસ્ટ્રેલીયા સામે વન-ડે અને ઇગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ ફાળવવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ જયદેવ શાહ, પૂર્વ પ્રમુખ અને બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઇ શાહ તથા સેક્રેટરી હિમાંશુભાઇ શાહે બીસીસીઆઇનો આભાર વ્યકત કર્યો હતો.રાજકોટમાં આઇપીએલના 10 મેચ અને 7 ઇન્ટરનેશનલ ટી-ર0 મેચ રમાય ચૂકયા છે.