ભારતે શાનદાર પ્રદર્શન કરતા ઇન્ડિઝને 8 રને હરાવ્યું: રિષભ પંત મેન ઓફ ધ મેચ

 

અબતક, કોલકાતા

ભારતીય ટીમએ ત્રણ મેચની બીજી ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમને 8 રને હરાવીને શ્રેણી 2-0 થી પોતાના નામે કરી લીધી છે. મેચમાં પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 186 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમ 20 ઓવરમાં 3 વિકેટના ભોગે 178 રન જ બનાવી શકી હતી. પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ ખરાબ શરૂઆત કરી હતી. ટીમનો ઓપનર ઇશાન કિશન માત્ર 2 રનના સ્કોર પર આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી અને બીજી વિકેટ માટે 49 રન જોડ્યા હતા. રોહિત શર્મા 19 રન બનાવીને આઉટ થયો હતો.

વિરાટ કોહલીએ આ મેચમાં શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં 52 રન નોંધાવ્યા હતા. આ વચ્ચે સુર્ય કુમાર યાદવ 8 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયાની બાજી સંભાળવા માટે ઉપ સુકાની રિષભ પંત અને વેંકટેશ અય્યર આવ્યા હતા. બંનેએ આક્રમક શરૂઆત કરી હતી.વેંકટેશ અય્યરે 18 બોલમાં 33 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ વચ્ચે રિષભ પંતે 27 બોલમાં પોતાની અડધી સદી નોંધાવી હતી. રિષભ પંતે 28 બોલમાં અણનમ 52 રનની ઇનિંગ રમી હતી. વિન્ડીઝના રોસ્ટન ચેજે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આમ ભારતે 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 186 રન નોંધાવ્યા હતા.

જવાબમાં વિન્ડીઝની ટીમે પણ શરૂઆત ખરાબ કરી હતી. ઓપનર મેયર્સે 9 રને વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બ્રેન્ડન કિંગ પણ 22 રનના સ્કોર પર આઉટ થઇ ગયો હતો. અહિંથી નિકોલસ પુરણ અને રોવમેન પોવેલે ટીમની બાજી સંભાળી હતી અને ઝડપી રમવાનું શરૂ કર્યું હતું. બંનેએ પોત પોતાની અડધી સદી પુરી કરતા ભારતની એક સમયે મુશ્કેલી વધારી દીધી હતી. બંનેએ મળીને સદીની ભાગીદારી નોંધાવી હતી. નિકોલસ પુરણે 41 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી. આ સમયે વિન્ડીઝનો સ્કોર 159 રને પહોંચી ગયો હતો.

19મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે ક્રિઝ પર જામી ગયેલ પુરણને આઉટ કરીને ભારતને મેચમાં પરત લાવ્યું હતું. અંતિમ ઓવરમાં વિન્ડીઝને જીતવા માટે 25 રનની જરૂર હતી. જોકે પોવેલે સતત બે બોલમાં બે છગ્ગા ફટકારતા વિન્ડીઝની જીતની આશા જન્માવી હતી. પણ હર્ષલ પટેલે અંતિમ બંને બોલ સંભાળી લેતા ભારતને શાનદાર જીત અપાવી હતી. વિન્ડીઝ 20 ઓવરમાં 3 વિકેટના ભોગે 178 રન કરી શક્યું હતું. પોવેલ 36 બોલમાં 68 રન સાથે અણનમ રહ્યો હતો.

પંતે એક હાથે સિક્સર ફટકારી: ચાહકો મંત્રમુગ્ધ થયા

મેચમાં ટીમ ઇન્ડિયાનો ઉપ સુકાની રિષભ પંત મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. રિષભ પંતને પોતાની ઇનિંગ દરમ્યાન 28 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 52 રનની તાબડતોબ ઇનિંગ રમી હતી અને ભારતને 186 રનના લક્ષ્યાંક સુધી લઇ જવામાં મહત્વપુર્ણ ઇનિંગ રમી હતી.રિષભ પંતે પોતાની ઇનિંગે પગલે ચાહકોના દિલ પણ જીત્યા હતા. પંત બેટિંગમાં પોતાના આગવા અંદાજ માટે જાણીતો છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી-20 મેચ દરમ્યાન પંતે એક હાથે છગ્ગો ફટકારીને દર્શકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. તેના બેટથી નીકળેલો છગ્ગો કેટલો શાનદાર હતો તેનો અંદાજો માત્ર તેના બેટમાંથી નિકળેલ અવાજથી જ લગાવી શકાય છે. આજ કારણથી તેના આ અનોખા શોટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો વધુને વધુ પસંદ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.