આવતીકાલથી શરૂ થતાં ટેસ્ટમાં ભારતીય ટીટોડો લેશે કે ચલતીની જમાવટ કરશે ?
ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સીરિઝની બીજી ટેસ્ટ ૧૩ ફેબ્રુઆરીથી ચેન્નઈમાં જ રમાવાની છે. પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમના શરમજનક પ્રદર્શન બાદ હવે ટીમની પસંદગી અને કોમ્બિનેશન કેપ્ટન કોહલી માટે વિરાટ ચેલેન્જ બની શકે છે. તેવા સમયમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.
ઇંગ્લેન્ડ વિરૂદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં પીઢ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાગળ ઉપર નબળી દેખાતી ટીમ ઇંગ્લેન્ડ ભારત પાસેથી સરળતાથી મેચ સરકાવી જવામાં સફળ બની હતી. તેવા સમયમાં ટીમ ઇન્ડિયામાં હવે ક્યાં ખેલાડીને સ્થાન આપવું અને કોને પેવેલિયનમાં બેસાડવા તે અંગે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. જે રીતે ટીમ ઈન્ડિયાના પીઢ ખેલાડીઓ તેમની ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા જેના કારણે ટીમ ઇન્ડિયાએ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેવા સમયે ચોક્કસ ઓસ્ટ્રેલિયા સામે નવોદિતોની ટીમે કરેલી કમાલની ધ્યાને લેવી અતિ આવશ્યક બની છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમના આશરે ૯ જેટલા પીઢ ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેવા સમયે ટીમનું સુકાનીપદ અજિંક્ય રહાણેને સોંપવામાં આવ્યું હતું. રહાણેએ નવોદિતોની ટીમ તૈયાર કરી હતી. ટીમની જાહેરાતની સાથે જ ખેલ જગતના દિગ્ગજઓ ટીમના કૌશક્ય પર શંકા દર્શાવી હતી. ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું હતું કે, ભારતીય નવોદિતની ટીમ પાસેથી સરળતાથી ઓસ્ટ્રેલિયા મેચ સરકાવી જશે પરંતુ ભારતીય નવોદિતોની ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને ગોઠણીયે વાળી દીધા હતા અને મેચની સાથોસાથ સીરીઝ પણ જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયા સામે પ્રબળ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવ્યું ન હતુ. નવોદિતોને ટીમની બહાર રાખવામાં આવ્યા હતા અને અનુભવી ખેલાડીઓ નો સમાવેશ કરાયો હતો. ત્યારે નવોદિતોની બાદબાકી અને અનુભવી ખેલાડીઓની હાજરીમાં ટીમની કારમી હાર ને કારણે હવે ટીમમાં પરિવર્તન લાવવું અતિ આવશ્યક બન્યું છે. ત્યારે ચોક્કસ સવાલ ઉદ્ભવી રહ્યો છે કે, ભારતીય ટીમ ટીટોડા લેશે કે ચલતી ની જમાવટ કરે તેવા ખેલાડીઓનો સમાવેશ કરશે ?
ચેન્નઈમાં રમાનારી બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી હતી અને આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, જાડેજા અમદાવાદમાં રમાનારી ત્રીજી અને ચોથી ટેસ્ટમાં રમશે પરંતુ તેને સાજા થવામાં સમય લાગી છે અને તે અંતિમ બે ટેસ્ટ માટે ફિટ ન હોવાની સંભાવના છે. હવે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિમિત ઓવરોની સીરિઝ રમશે કે નહીં તે પણ હજુ સ્પષ્ટ નથી.
ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટમાં જાડેજાની ખૂબ મોટી ખોટ પડી હતી. વોશિંગટન સુંદર અને શાહબાઝ નદીમ બોલિંગમાં ખાસ કમાલ કરી શક્યા નહોતા. જેના કારણે અશ્વિન પર દબાણ વધી ગયું હતું. જો કે, પ્રથમ ઈનિંગમાં સુંદરે સારી બેટિંગ કરી હતી. બીજી ટેસ્ટમાં અક્ષર પટેલને તક મળી શકે છે.
રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાંથી ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. ત્યાર બાદ સિડનીમાં એક્સપર્ટની સલાહ બાદ તેને બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યો હતો.