- “સહકાર પેનલ” વિજેતા ઉમેદવારોએ લીધી “અબતક” મીડિયા હાઉસની શૂભેચ્છા મૂલાકાત
રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચુંટણીમાં સહકાર પેનલનું બુલડોઝર ફરી વળ્યું છે. તમામ 21 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો જંગી લીડથી વિજેતા બન્યા છે. આજે વિજેતાઓએ “અબતક” મીડિયા હાઉસની શૂભેચ્છા મૂલાકાત લીધી હતી. નાના માણસની મોટી બેન્ક તરીકે દેશભરમાં નામના મેળવનાર આરએનએસબીને દેશનો નંબર-1 બેન્ક બનાવવાનો લક્ષ્યાંક ટીમ સહકાર દ્વારા રાખવામાં આવ્યું છે.
સહકારી અગ્રણી અને બેન્કના વર્તમાન ડિરેક્ટર હંસરાજભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે સંઘની પારિવારિક ભાવના અને સત્યનો વિજય થયો છે. ડેલીગેટ્સે અમારા પર પૂર્ણ વિશ્ર્વાસ મૂક્યો છે. બેન્કોનો પાયો ખૂબ જ મજબૂત હોય અને જે લક્ષ્યાંકો રાખ્યા છે. તે સિધ્ધ કર્યા છે. છેલ્લા છ માસમાં બેન્કે રેકોર્ડબ્રેક નફો કર્યા છે. 10 હજાર કરોડના બિઝનેસનો ટારગેટ પણ હાંસલ કર્યો છે. હવે અમારી નવી ટીમનો લક્ષ્યાંક બેન્કને દેશના ત્રીજા નંબરની સૌથી મોટી સહકારી બેન્ક બનાવવાનો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં 1953થી આજદિન સુધીમાં પાંચ વખત ચુંટણી યોજાયેલી. તે પૈકી ચુંટણી 2024માં સંઘ વિચારધારા અને સામુહિક નેતૃત્વ હેઠળની સહકાર પેનલનો ભવ્ય વિજય થયો છે.
સંઘ પ્રેરીત સહકાર પેનલના કુલ 15 ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી થયેલા છે અને અગાઉ સહકાર પેનલના 6 (છ) ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા હોય રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની 21 બેઠક ઉપર સહકાર પેનલનો ભવ્ય વિજયી બન્યા છે અને આ વિજય સંઘની વિચારધારા અને સંઘની શિસ્તનો વિજય છે. સાચી જ વાત છે. વિના સહકાર નહિ ઉદ્ધાર.
તેઓએ ઉમેર્યું હતું કે આ ચૂંટણીમાં મહિલા અનામત બે બેઠક માટે બહારગામ અને રાજકોટ શહેરના કુલ 332 મતદારોએ મતદાન કરેલ હતું અને બાકીની 13 બેઠક માટે 189 મતદારોએ મતદાન કરેલ હતું.
સહકારી બેકિંગમાં નવા નિયમો અનુસાર પ્રથમવાર રાજકોટ જીલ્લા કલેક્ટર અને રીટર્નીંગ ઓફીસર પ્રભાવ જોશીના નેતૃત્વ હેઠળની પ્રથમ ચુંટણીનું સફળ આયોજન થયેલ હતું.
આ ચૂંટણીનું સૌથી અગત્યનું પાસું એ છે કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના પૂર્વ ચેરમેનો પૈકી સ્વ. જન્મશંકરભાઈ અંતાણી, સ્વ. કેશવલાલ પારેખ, સ્વ. એ. પી. મહેતા, સ્વ. પ્રાણલાલભાઈ જોશી, સ્વ. અરવિંદભાઈ મણિઆર, વજુભાઇ વાળા, સ્વ. લાલજીભાઈ રાજદેવ, સ્વ. ચંદ્રકાંતભાઈ પાવાગઢી, જ્યોતિન્દ્રભાઈ મહેતા, નલીનભાઈ વસા, કલ્પકભાઈ મણિઆર, શૈલેષભાઇ ઠાકર અને કાર્યકારી ચેરમેન જીમ્મીભાઈ દક્ષિણી સુધીના સૌના નેતૃત્વ હેઠળ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની રાજકોટ સહિત ગુજરાત અને મહારાષ્ટ્રમાં 38 શાખાઓ મારફત સાડા ત્રણ લાખ સભાસદોનો કાયમી વિશ્ર્વાસ કાયમ રહ્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.નું 10 હજાર કરોડનું ટર્ન ઓવર થકી વિકાસમાં મહત્વનું યોગદાન રહેલુ છે. એટલું જ નહીં વિશ્ર્વાસ વધુ દ્રઢ બન્યો છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં નીતિવિષયક નિર્ણયો માટેનું આંતરિક માળખું બોર્ડ ઓફ ડીરેક્ટર અને શાખા વિકાસ સમિતિ નિયમિત રીતે એક ટીમ તરીકે કાર્યરત હોય છે. રાજકોટ નાગરીક સહકારી બેન્ક તેના ડેલીગેટ સાથે વાતચીતનો સેતુ વધુ ગાઢ બને તે માટે દર ત્રણ મહિને માર્ગદર્શક મંડળની મીટીંગ મળતી રહે છે. દરેક ડેલીગેટ સાથે દર ત્રણ મહિને માર્ગદર્શક મંડળની બેઠક દ્વારા વાર્તાલાપ, ડેલીગેટના સૂચનો, ફરિયાદોનું યોગ્ય નિવારણ અને બીજી મિટિંગમાં તેનું ફોલોઅપ રિપોર્ટિંગ માર્ગદર્શક મંડળમાં કરવામાં આવે છે. આ રીતે ડેલીગેટ પણ બેંકની નીતિવિષયક બાબતોમાં સક્રિય યોગદાન આપતા હોય છે.
આ ચૂંટણીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નોટિફિકેશન પ્રમાણે 8 વર્ષ કરતા વધુ સમય બેંકમાં ડીરેક્ટર ન રહી શકે તે ધ્યાનમાં રાખીને પ્રવર્તમાન બોર્ડના 10 ડીરેક્ટર જીમ્મીભાઈ દક્ષિણી, શૈલેષભાઇ ઠાકર, નલીનભાઈ વસા, જ્યોતીન્દ્રભાઈ મહેતા, ટપુભાઇ લીંબાસિયા, અર્જુનભાઇ શીંગાળા, હંસરાજભાઈ ગજેરા, દિપકભાઇ મકવાણા, શ્રીમતી રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઈ પારેખ ચૂંટણી લડેલ ન હતા. એટલું જ નહીં પરિવારવાદને પ્રોત્સાહન ન મળે તે માટે તેમના પરિવારમાંથી કોઈપણ બ્લડ રિલેશનવાળા ઉમેદવાર પણ પસંદ કરવામાં આવ્યા નથી.
રાજકોટ નાગરીક સહકારી બેંકની ચૂંટણીમાં સહકાર પેનલને ભવ્ય વિજય અપાવવા બદલ બેન્કના ડેલીગેટ, પરીવાર ક્ષેત્રના સૌ અગ્રણીઓ, રાજકોટ જિલ્લાના કલેક્ટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશી અને સમગ્ર ચૂંટણી ટીમનો સુચારૂં સંચાલન માટે ખુબ જ ઉપયોગી બંદોબસ્ત માટે રાજકોટ પોલીસ તંત્રનો સહકાર પેનલના ઉમેદવારોએ આભાર વ્યક્ત કર્યો હતો.
ચેરમેન – વાઇસ ચેરમેન ‘સંઘ’જ નકકી કરશે
રાજકોટ નાગરીક સહકારી બેન્કના ર1 ડિરેકટરો તરીકે સહકાર પેનલના ઉમેદવારો વિજેતા બન્યા છે. ત્યારે હવે ચેરમેન – વાઇસ ચેરમેન તરીકે કોણ દાવેદાર છે. તેવા પ્રશ્ર્નના જવાબમાં બેન્કના વર્તમાન ડિરેકટરો અને નવા ચૂંટાયેલા સભ્યોએ એક જ સુરે જણાવ્યું હતુંકે અમારામાં સંઘના સંસ્કારનું ઘડતર થયું છે. સંઘ જ ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ ફાઇનલ થશે.
આ સત્યની જીત છે, ડેલીગેટસના અડિખમ વિશ્ર્વાસનો વિજય છે: હંસરાજ ગજેરા
રાજકોટ નાગરીક સહકારી બેન્કના વર્તમાન ડિરેકટર હંસરાજભાઇ ગજેરા સહિત ના આગેવાનોએ જણાવ્યું હતું કે, સહકારી પેનલના તમામ ર1 ઉમેદવારોની જીતએ ખરેખર સત્યની જીત છે. ડેલીગેટસના અડિખમ વિશ્ર્વાસનો વિજય છે. સંઘની જે પારિવારિક ભાવના અને સુશાસનની જીત છે. સહકાર ક્ષેત્રમાં ખરેખર ઇલેકશનના બદલે સિલેકશન જ થવું જોઇએ. પરંતુ જે બન્યું તે હવે અમારી નવી ટીમનું લક્ષ્યાંક સંપૂર્ણ પણે બેન્કનો સવાયો વિકાસ જ રહેશે. ડેલીગેટસનું ઘડતર સંઘના સંસ્કારથી થયું હોય છે. સંઘ પણ તમામ સત્યથી વાકેફ હોય કે આવામાં જે પરિણામ આવ્યું તે સંઘના સંસ્કાર પ્રસ્થાપિત કરે છે.
અનુભવી સાથે યુવાઓની ટીમ બેન્કને નવી ઉંચાઇએ લઇ જવા સક્ષમ
સહકાર પેનલમાં વર્તમાન જે ર1 ડિરેકટરો વિજેતા બન્યા છે. તે પૈકી 7 ડિરેકટરો છેલ્લા પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ડિરેકટર તરીકે સેવા આપી રહ્યા છે. બેન્કની એક વ્યવસ્થા છે જેમાં અલગ અલગ શાખાઓમાં ડેલીગેટસની શાખા અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવે છે. અનુભવી સાથે યુવાઓની સહકાર ટીમ બેન્કને નવી ઉંચાઇએ લઇ જવા માટે સક્ષમ છે. તમામ વિજેતા ઉમેદવારો પાસે બેન્કીંગ સિસ્ટમનો અનુભવ છે.
તમામને સાથે રાખી બેન્કનો વિકાસ કરવો એ જ ‘સહકાર’ના સંસ્કાર
સહકાર પેનલના વિજેતા ઉમેદવારોએ આજે ‘અબતક’ દૈનિકની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, અમારો એક માત્ર ઉદેશ રાજકોટ નાગરીક બેન્કનો વધુ વિકાસ કરવાનો છે. કોઇપણ જાતના મન દુ:ખ વિના તમામને સાથે રાખી નાના માણસની મોટી બેન્કને વધુ મજબુત બનાવવી એ એક માત્ર સહકાર પેનલના સંસ્કાર છે. ડેલીગેટસનું ઘડતર સંઘના સંસ્કારથી થતું હોય છે. એટલે સંઘ દ્વારા હમેશા સાચુ ખોટુ અને સારુ નરસુ પારખી નિર્ણય લ્યે છે.