નિયમ ભંગ કરનારી શાળાની માન્યતા રદ્ કરવા સહિતની આકરી જોગવાઇઓ

ગુજરાતની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 8ના છાત્રોને ગુજરાતી ભણાવવું અને શિખવવું ફરજિયાત બનાવાનું વિધેયક આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. તેને સર્વાનુમતે બહાલી મળે તેવી સંભાવના જણાય રહી છે. ગુજરાતી ન શિખવતી શાળાઓની માન્યતા રદ્ કરવા સહિતની આકરી જોગવાઇ આ બીલમાં રાખવામાં આવી છે.

ગુજરાતમાં કેટલીક ખાનગી શાળાના સંચાલકો ગુજરાતી ભણાવતા જ નથી તેવી વાલીઓની ફરિયાદ અને હાઇકોર્ટની ટકોર બાદ ગુજરાતી શિખવવું ફરજિયાત કરવાનું વિધેયક લાવવા માટે કેબિનેટ દ્વારા બહાલી આપવામાં આવી હતી. દરમિયાન આજે વિધાનસભામાં ધોરણ-1 થી 8 છાત્રોને શાળામાં ગુજરાતી શિખવવું ફરજીયાત કરાવું વિધેયક પ્રસાર કરવામાં આવશે. જેમાં કેટલીક આકરી જોગવાઇઓ કરવામાં આવી છે.

જો કોઇ શાળા ગુજરાતી નહી શિખવતી હોય તેવું માલુમ પડશે કે શાળા આવુ કૃત્ય કરતી પકડાશે તો પ્રથમ વખત શાળાને 50 હજાર રૂપીયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી વખત નિયમનો ભંગ કરશે તો 1 લાખનો દંડ કરાશે. તમામ શાળામાં ધોરણ-1 થી 8ના છાત્રોને ગુજરાતી ફરજિયાત ભણાવવાનો નિયમ રાજ્યની તમામ શાળાઓ અને તમામ બોર્ડને લાગુ પડશે. જો કોઇ શાળા ત્રીજી વખત નિયમ ભંગ કરતી પકડાશે તો તેને રૂા.2 લાખનો દંડ ફટકારવામાં આવશે.

ત્રણ વખત કે તેથી વધુ વખત જો કોઇ શાળા ગુજરાતી ભણાવવાના નિયમનો ભંગ કરતી પકડાશે તો તેની શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ્ કરવામાં આવશે. વિધેયકના નિયમોમાં આકરો દંડ અને માન્યતા રદ્ કરવા ઉપરાંત શૈક્ષણિક સંસ્થાના સંચાલકને જેલની સજાની પણ જોગવાઇ રાખવામાં આવી છે.

આ નિયમના અમલ માટે સરકાર દ્વારા નાયબ નિયામકની નિમણૂંક કરવામાં આવશે. દંડની રકમમાં સક્ષમ અધિકારી વધારો અથવા ઘટાડો કરી શકશે. માત્ર ગુજરાત બોર્ડ ઉપરાંત રાજ્યમાં તમામ બોર્ડ આ નિયમનું ફરજિયાત પાલન કરવું પડશે. સીબીએસસીની સ્કુલો અને કેન્દ્રીય સ્કુલોને પણ આ નિયમ લાગુ પડશે. જો કોઇ સ્કુલ ગુજરાતી અભ્યાસક્રમ શરૂ નહીં કરે તો તેને સજા કરતા પહેલા સાંભળવામાં આવશે. બિન ગુજરાતી માતા-પિતાના બાળકોને ગુજરાતી ભણાવવા ન ઇચ્છતા હોય તો તેને મુક્તિ આપવામાં આવશે.

ગઇકાલે વિધાનસભા ગૃહમાં ઇમ્પેક્ટ ફીમાં સુધારા વિધેયક પસાર કરાયા બાદ આજે ગુજરાતની તમામ શાળાઓમાં ધોરણ-1 થી 8ના છાત્રોને ફરજીયાત ગુજરાતી શીખવવુંનું બીલ રજૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.