સુરેન્દ્રનગર ખાતે કરૂણાવાન શિક્ષકોની વંદના- સન્માન કોડીયાને અજવાળે કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર સી.યુ. શાહ મેડીકલ હોલ ખાતે જી.સી.ઇ.આર.ટી. પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર આયોજીત કરૂણાવાન શિક્ષકોની વંદના- સન્માન કોડીયાના અજવાળે કાર્યક્રમ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે બાળકના શ્રેષ્ઠ જીવન ઘડતર માટે સારા સંસ્કાર સિંચનનું કામ અને સારા સંસ્કાર રૂપી પ્રાણ પુરવાનું કામ શિક્ષકો કરે છે. તેમણે વિદ્યાર્થીના જીવન ઘડતર માટે શિક્ષકનું યોગદાન અગત્યનું રહયું હોવાનું પણ વધુમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, શિક્ષણ જગતમાં જે શિક્ષકો નિષ્ઠા- પ્રમાણિકતા અને ખંતથી કાર્ય કરતા હોય છે તે સમાજમાં હંમેશા સન્માનિત થતાં હોય છે. સમાજ હંમેશા શિક્ષકોને માન- આદરની ભાવનાની નજરથી જોતો હોય છે. જિલ્લાના ૫૫ જેટલા શિક્ષકોએ વિદ્યાર્થીઓના વિકાસ માટે વિદ્યાર્થીઓના જીવનમાં અંગત રસ લઇ કોઇને કોઇ પ્રકારે કરૂણા દાખવી મદદરૂપ બન્યા છે તે ખૂબ ધન્યવાદને પાત્ર છે.
આ પ્રસંગે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગરના નિયામક ટી.એસ. જોષી તથા ર્ડા. જગદીશ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે. જે બાળકને આપવાનું કાર્ય શિક્ષકો કરે છે. એક તબીબ શિક્ષકને બચાવી શકે છે, પરંતુ શિક્ષક બનાવી નથી શકતો. જયારે એક શિક્ષક હજારો તબીબ બનાવવાનું કાર્ય કરે છે. તેઓેએ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથે સાથે વ્યસનમુક્તિ માટે પ્રેરણા આપે તે માટે પણ આહવાન કર્યું હતું.
શરૂઆતમાં મંત્રીના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લામાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર પદ્મશ્રી મુકતાબેન ડગલી, ર્ડા. જગદીશ ત્રિવેદી અને ચંદ્રકાંતભાઇ વ્યાસનું મંત્રીના હસ્તે શિલ્ડ, શાલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં. મંત્રી તથા મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૫૫ જેટલા કરૂણાવાન શિક્ષકો અને ૨૧ અન્ય શિક્ષકોને શિલ્ડ તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતાં. મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે બાવન કોડીયા પ્રજ્જવલ્લીત કરવામાં આવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મીષ્ઠાનતુલા કરવામાં આવી હતી. જે મીઠાઇ શહેરના ગરીબ પરિવારોમાં વહેંચવામાં આવી હતી. સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી સી.ટી. ટુંડીયાએ જયારે આભાવિધિ એન.જી. ચૌહાણે કરી હતી. આ પ્રસંગે સાંસદ ર્ડા. મહેન્દ્રભાઇ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, અગ્રણી સર્વ વિરેન્દ્રભાઇ આચાર્ય, વર્ષાબેન દોશી, પદાધિકારીઓ, અધિકારીઓ, વિશાળ સંખ્યામાં શિક્ષકો સહિત નગરજનો ઉપસ્થિત રહયા હતાં.