અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત, રાષ્ટ્રીય સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત તેમજ સાથી સંગઠનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે જુની પેન્શન યોજના અને શિક્ષક સહિતના સરકારી કર્મચારીઓના પાયાના પડતર પ્રશ્નોને યોગ્ય નિરાકરણ માટે વારંવાર રજૂઆત કરવા આવતી હતી. પરંતુ ક્યાંકને ક્યાંક સરકાર દ્વારા આ બાબતે ગંભીરતા લીધેલ ન હોય, ગાંધીનગર મુકામે રાજ્ય કારોબારી બોલવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાં શિક્ષક સહિતના તમામ કર્મચારી મિત્રો પેનડાઉન, ચોકડાઉન તેમજ ઓનલાઈન કામગીરી બહિષ્કાર કરશે સાથે લોકસભાની ચૂંટણી અગાઉ પોતાના માટે એક મહા મતદાનનું આયોજન કરશે જેમાં 11 જેટલી મુખ્ય માંગણીઓ ઉપર મત આપી પોતાની માંગણીઓ સરકારમાં રજૂ કરશે તેવું સર્વ સંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું.
રાજય સંગઠન દ્વારા આપવામાં આવેલા આંદોલનને અનુલક્ષીને રાજકોટ જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સંયુક્ત કર્મચારી મોરચો તેમજ પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા સમગ્ર જિલ્લામાં પેન ડાઉન, ચોકડાઉન,ઓનલાઈન કામગીરીના બહિષ્કાર તેમજ મહા મતદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમમાં આજદિન સુધીનો સૌથી સવિશેષ પ્રતિસાદ શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓનો જોવા મળ્યો હતો તેમજ ખૂબ જ બહોળી માત્રામાં શિક્ષક સહિતના કર્મચારી મિત્રોએ મહા મતદાનમાં મતદાન કરી સરકારના કાન સુધી પોતાની માંગણીઓ પહોંચાડી હતી.
હાલના સમયમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ રાજકોટ જિલ્લાના શિક્ષકો માટે વિશ્વાસપાત્ર અને મક્કમ નિર્ણય લેનારું સંગઠન બની ચૂક્યું હોય શિક્ષકો તેમજ સરકારી કર્મચારીઓનો બહોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ.રાજકોટ દ્વારા આગામી સમયમાં સરકારમાંથી જૂની પેન્શન યોજના અંગે ઠરાવ કરવામાં ન આવે ત્યાં સુધી આ સતત ચાલુ રહેશે એ બાબતે રાજ્યના તમામ શિક્ષક સહિતના કર્મચારીઓને આ અંગે બાહેંધરી આપવામાં આવે છે.