21 સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્ર્નોના નિકાલ માટે સરકરાને અલ્ટીમેટમ આપવામાં આવ્યા બાદ પણ પ્રશ્ર્નોનો નિકાલ ન થતાં હવે શિક્ષકો લડી લેવાના મૂડમાં
રાજ્યના શિક્ષકોના પડતર પ્રશ્ર્નો મુદ્દે હવે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગાંધીજયંતીના દિવસથી આંદોલન શરૂ કર્યું છે. 21 સપ્ટેમ્બર સુધી પ્રશ્નોના નિકાલ માટે સરકરાને અલ્ટીમેટમ આપવામાં આવ્યા બાદ પણ પ્રશ્નોનો નિકાલ ન થતાં પ્રથમ તબક્કામાં 2 ઓક્ટોબરે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં 30 હજાર જેટલા કર્મચારીઓએ આંદોલન મુદ્દે રસ્તા પર ઉતર્યા હતા. હવે તમામ સાંસદ, ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં 7 ઓક્ટોબર સુધીના આંદોલનના કાર્યક્રમ જાહેર કરાયા છે, ત્યારબાદ પણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આક્રમક કાર્યક્રમોની જાહેરાત કરાશે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્શન યોજના અને અન્ય પડતર પ્રશ્નો મુદ્દે ગતવર્ષે આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકાર સાથે સમાધન થતાં આંદોલન સમેટાયું હતું. પરંતુ ત્યારબાદ હજુ સુધી પ્રશ્નોને લઈને ઠરાવ કરાયા નથી. ત્યારબાદ મહાસંઘ દ્વારા સરકારને 21 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપી પ્રશ્નોના નિરાકરણ માટે જણાવ્યું હતું. પરંતુ નક્કી કરેલી સમયમર્યાદામાં પણ ઠરાવ કરવામાં આવ્યા ન હોવાથી મહાસંઘના 9 જેટલા સંવર્ગના 2.30 લાખથી વધુ શિક્ષકોના હિતમાં આંદોલન કરવાનો નિર્ણય લીધો હતો.
ઓક્ટોબર દરમિયાન, દરેક જિલ્લાના તમામ સંવર્ગ સામૂહિક રીતે બેસી પોતાના જિલ્લાના સંસદસભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, શાસક પક્ષ ભાજપાના જિલ્લા પ્રમુખને 7 ઓક્ટોબર સુધીમાં આવેદન પત્ર આપવા 100થી વધુ સદસ્યની ટીમ બનાવી આવેદનપત્ર આપવાનું આયોજન કરશે અને તેઓનો ભલામણ-પત્ર લખવા અનુરોધ કરવામાં આવશે. 7મી ઓક્ટોબર સુધીમાં જો આપેલ પ્રશ્નો ન ઉકેલાય તો આશ્ચર્યજનક કાર્યક્રમો જેમાં રેલી, ધરણા તથા ગાંધીનગર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રીકરણ જેવા કાર્યક્રમ ઘડવામાં આવશે.