કોરોના મહામારી વચ્ચે શાળાઓ બંધ હોવાથી છેલ્લા એકાદ વર્ષથી શિક્ષકો કોર્પોરેશનની વિવિધ કામગીરીમાં જોડાઇને કોરોના વોરિયર તરીકે ઉમદા કામગીરી કરી રહ્યાં છે. શહેરનાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલા ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ પ્રવર્તમાન મહામારી વચ્ચે સતત ચહલ-પહલને કારણે દિવસ-રાત ધમધમવા લાગ્યું હોવાથી ત્યાં ઘણો કચરો જોવા મળતા રાજકોટ મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિ સંચાચિત શાળાનાં શિક્ષકોએ સમુહ શ્રમયજ્ઞ કરીને ગ્રાઉન્ડ ચોખ્ખુ કરવાનો સુંદર વિચાર આવતા આજે સવારે 55 શિક્ષકોએ સુંદર કામગીરી કરી હતી.
સમગ્ર આયોજનમાં શિક્ષણસમિતિના ચેરમેન નરેન્દ્રસિંહજી ઠાકુર અને શાશનાધિકારી કિરિટસિંહ પરમારનાં સીધા માર્ગદર્શન તળે યુ.આર.સી., સી.આર કો.ઓર્ડિનેટર અને આચાર્ય-શિક્ષકો જોડાયા હતા. પ્રાથમિક શિક્ષક મંડળ અનુરોધથી શિક્ષકો વ્હેલી સવારથી જ ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડને ચોખ્ખું કરવા ‘સ્વચ્છતા અભિયાન’ ઉપાડી લીધુ હતું. સમગ્ર આયોજનમાં મંડળના પ્રમુખ દિનેશભાઇ, મંત્રી પિયુષ ભુવા, યુ.આર.સી. દિપક સાગઠીયા અને બી.બી. દેશાણી સહિતનાં શિક્ષકોએ સ્વચ્છતા કામગીરી સંભાળી હતી.
આજની સફાઇ કામગીરીમાં 25થી વધુ કોથળા કચરો એકત્ર કરીને નિયત ગાડીમાં મોકલીને રવાના કરાવવા સુધીની કામગીરી શિક્ષકોએ કરી હતી. દર્દીઓ સાથે તેમનાં સગાને ડસ્ટબીનની સમજ સાથે 500થી વધુ માસ્ક વિતરણ પણ કરવામાં આવેલ હતું. સમગ્ર આયોજનમાં રાજકોટ મ.ન.પા.નો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.
નાનાભાઇને દાખલ કર્યો હોવાથી આ સફાઇનો વિચાર આવ્યો: શાસનાધિકારી કિરિટસિંહ પરમાર
મારા નાનાભાઇને કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હોવાથી નિયમિત અહીં અવરજવર રહેતા ચૌધરી ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા જોતા આ સમુહ સફાઇયજ્ઞ યોજવાનો વિચાર આવ્યો. તેમ શાસનાધિકારી કિરિટસિંહ પરમારે અબતકની વાતચિતમાં જણાવેલ હતું. આજના સફાઇયજ્ઞમાં કોર્પોરેશનના 50 શિક્ષકો જોડાયને ઉમદા સેવા કરી હતી.