ગયા વર્ષે ર૧ પ્રવાસી શિક્ષકો મુકાયા હતા જયારે આ વર્ષે એક પણ નહીં !! તાલુકામાં શિક્ષકોની મહેકમ પ્રમાણે ભરતી કરાય તેવી માંગ
રાજય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેવા હેતુ સાથે પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિતના કાર્યક્રમોના તાયફાઆ કરી મોટી મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે ત્યારે શાળામાં બાળકો પ્રવેશ તો મેળવે છે પરંતુ તેઓને અભ્યાસ કરાવનાર શિક્ષકોની જ ઘટ હોય તો આ કાર્યક્રમો કેટલા અંશે યોગ્ય કહેવાય ? ત્યારે હાલ હળવદ તાલુકામાં ૧૧૭ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે જેમાં શિક્ષકોનું મહેકમ ૮૪૮નું મંજુર થયેલ હોય જેની સામે ૭૪ર શિક્ષકો છે. જેથી તાલુકામાં ૧૦૬ શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બાબતે શિક્ષણ અધિકારીઓ તેમજ ગ્રામજનો દ્વારા અવારનવાર શિક્ષકોની મહેકમ પ્રમાણે ભરતી કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારવા રજૂઆત કરાઈ છે. પરંતુ આજદિન સુધી પરિણામ શુન્ય જ આવ્યું છે.
હળવદ શહેર અને ગ્રામ પંથકમાં કુલ ૧૧૭ પ્રાથમિક શાળાઓ હાલ કાર્યરત છે જેમાં ર૭૬૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેની સામે આંકડાકીય તુલના પ્રમાણે ગયા વર્ષે ર૧ પ્રવાસી શિક્ષકો મુકાયા હતા. પરંતુ આ વર્ષે ન મુકાતા વિદ્યાર્થીનું ભાવિ અધ્ધરતાલ જાવા મળી રહ્યું છે. તો બીજી તરફ આજે પણ તાલુકાના ઘણા એવા ગામોની પ્રાથમિક શાળાઓ છે કે ત્યાં માત્ર બેથી ત્રણ શિક્ષકો શિક્ષણનું ગાડું ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તાલુકામાં શિક્ષકોની ઘટને પુરવા અવારનવાર ગ્રામજનો દ્વારા રાજય સરકારને રજૂઆતો કરવામાં આવતી હોય છે પરંતુ પરિણામ જૈસે થેની સ્થતિમાં છે.
હાલ ખાનગી શાળાઓના સંચાલકો મનફાવે તેવી તગડી ફી લઈ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપતા હોય છે. ત્યારે સામાન્ય લોકો આવી મોંઘી દાટ ફી ન ભરી શકતા હોવાથી પોતાના વ્હાલસોયા બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવતા હોય છે પરંતુ સરકારી શાળામાં શિક્ષકોનો જાણે દુકાળ હોય તેમ પુરતા પ્રમાણમાં શિક્ષકો જ ન હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય રૂંધાતું હોવાનું વાલીઓ દ્વારા જણાવાયું છે.