જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે રાજ્યકક્ષાના કલા ઉત્સવ-વાર્તા સ્પર્ધાને શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિડોંર દ્વારા ખુલ્લો મૂકાયો: બે દિવસ ચાલશે: શાળા કક્ષાથી ઝોન કક્ષા સુધી અંદાજિત 15,59,000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર સાબરકાંઠા દ્વારા આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કલા ઉત્સવ અને નિપુણ ભારત અન્વયે ગિજુભાઈ બધેકાની જન્મ જયંતિ અવસરે રાજ્ય કક્ષા વાર્તા કાર્યક્રમ 2022-23 ઇડર ખાતે તારીખ 10-11 જાન્યુઆરીના રોજ યોજાયો છે. જેનું ઉદઘાટન રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે રાજ્યકક્ષાના કલા ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં રાજ્યભરના વિદ્યાર્થીઓ,વાલીઓ, મહાનુભાવો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે શિક્ષણ જગતના સારસ્વતોને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષકો માત્ર કર્મચારી નથી. આપણે ભારતના રાષ્ટ્રનિર્માણના આધાર સ્તંભો છીએ. ઈડરની ઐતિહાસિક ધરા પર આપનું સ્વાગત અભિવાદન કરું છું. અહીં ચિત્ર,ગાયન, વાદન, વાર્તાકાર,બાળ કલાકારોના સુંદર પરફોર્મન્સને બિરદાવી પ્રોત્સાહિત કરું છું. તેઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે અને પોતાની કલામાં પારંગત બને તેવી શુભેચ્છા પાઠવું છું. શિક્ષકો દ્વારા બાળકોમાં પડેલી શક્તિને બહાર લાવવાનું આ કલા ઉત્સવ પ્લેટફોર્મ છે.
હમ બદલેગા તો યુગ બદલેગા કલા ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ ઇનામ મળે કે ન મળે પણ સૌ વિદ્યાર્થીઓએ ભાગીદાર બનવું જોઈએ. જેનાથી સ્કિલ બહાર લાવવાનું સરળ બનશે. આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020નો અમલ કરવાનો છે. બેકલેસ એજ્યુકેશન થકી 491 પ્રાથમિક શાળાની પસંદગી કરીશું. જેમાં વિદ્યાર્થીઓની સ્કિલને બહાર લાવવાનું કામ કરીએ. 1000 કલાક વિધ્યાર્થી વર્ગમાં રહે 100 કલાક બહાર જશે. પ્રવાસન સ્થળો, કંપની, અકાદમી ઔતિહાસિક સ્થળ ડેમ,જંગલ ટ્રેકીંગ ઇત્તરપ્રવૃત્તિ, રમતગમત જેવી બાબતો આવરી લેવામાં આવશે.
જી.સી.ઈ.આર.ટી દ્વારા વર્ષ 2016થી કલા ઉત્સવની ઉત્તમ રીતે ઉજવણી થાય છે. આ સ્પર્ધામાં શાળા કક્ષાથી લઈને રાજ્યકક્ષા સુધી ઉજવાય છે. શાળા કક્ષાથી ઝોન કક્ષા સુધી અંદાજિત 15,59000/- જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. નિપુણ ભારત અંતર્ગત રાજ્યકક્ષાનો વાર્તા કાર્યક્રમ રાજ્યમાં ગિજુભાઈ બધેકાના જન્મદિવસ 15 નવેમ્બરને બાળવાર્તા દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે અને વર્ષ 2022-23ને વાર્તાવર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે.
ઉત્તમ વાર્તાઓનું રેકોર્ડિંગ કરીને ઓનલાઈન ઉપલબ્ધ કરાવાશે. એક થી ત્રણ વિજેતાઓને ટ્રોફી પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવશે. આ પ્રસંગે મંત્રી ડીંડોડ દ્વારા વાસળીવાદક, ઢોલવાદક, વાર્તા કથન ગાયક તથા ઉત્તમ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું ઇનામ આપી સન્માનિત કર્યા હતા. જ્યારે ઇડર ડાયટને ભારત સરકાર તરફથી ગ્રીન અને ક્લીનનેસ એવોર્ડ ડાયટના પ્રાચાય કે.ટી પુરણીયાને અર્પણ કરવામાં આવ્યો હતો.