થોડા મહિના પહેલાં અમરેલી જિલ્લામાં ક્વેસ્ટ એટલે શું એવો પ્રશ્ન થતો હતો પણ હવે ક્વેસ્ટ એટલે શિક્ષકોમાં અનેરો ઉત્સાહ પુરતો અદભૂત સેમિનાર. લાયન્સ ઈન્ટરનેશનલમાં ક્વેસ્ટ પ્રોજેકટનું ખૂબ મહત્વ છે કારણ કે આ પ્રોજેકટ દ્વારા ભવિષ્યનું ઘડતર થાય છે. શિક્ષકોને આદરભાવ સાથે તાલિમ આપવામાં આવે છે અને શિક્ષકોમાં રહેલાં શ્રેષ્ઠ અવકાશોને કેમ ખિલવવા તેનું આલેખન કરવામાં આવે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સેતુ સંપુર્ણ બને તો સમાજનું ઘડતર બહેતર થાય છે.
લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા વ્રજ વિદ્યાલય કુંકાવાવ, ઓમકાર સ્કૂલ, અમરેલી, પટેલ સંકુલ, અમરેલી બાદ ચોથા વર્કશોપનું આયોજન રાજુલા ખાતે કરવામાં આવ્યું હતુ. રાજુલાના દેવકા સ્થિત દેવકા વિદ્યાપીઠમાં આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સેમિનાર પાછળ એક એક લાખ રૂપિયાથી વધુ ખર્ચ થાય છે અને દરેક શિક્ષકોને ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું રીસર્ચ થયેલું મટિરિયલ આપવામાં આવે છે. બાળકો અને વાલીઓનું પણ મટીરિયલ આપવામાં આવે છે.
લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ વસંત મોવલિયાએ કહ્યું હતું કે, ક્વેસ્ટ એટલે વિષય વસ્તુની શોધ. જે વ્યક્તિના અંતરાત્મામા વસેલું છે તેને ઢંઢોળીને બહાર કાઢવાનું કામ આ વર્કશોપમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી રાષ્ટ્રનું ઘડતર કરે છે અને એ વિદ્યાર્થીનું ઘડતર શિક્ષકો કરે છે. રાષ્ટ્ર નિર્માણનો પાયો શિક્ષકો છે. શિક્ષકો પોતાનામાં રહેલી શ્રેષ્ઠ આવડતને કઈ રીતે ઉજાગર કરે અને વિદ્યાર્થીમાં રહેલા કૌશલ્યને કઈ રીતે સિદ્ધિમાં પરિવર્તિત કરી શકે તેવા ઉમદા વિષય પર આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમ સેમિનારમાં વિવિધ શાળાના 40થી વધુ શિક્ષકોએ ભાગ લીધો છે. આ ક્વેસ્ટ કાર્યક્રમના સમાપન પ્રસંગે ડિસ્ટ્રિકટ 3232-જેના ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી, દેવકા વિદ્યાપીઠના કેમ્પસ ડાયરેકર અશોક ઉપાધ્યાય, ક્વેસ્ટ ડીસી મુકેશભાઈ પંચાસરા, રિઝિયન-3 આર સી બિપીનભાઈ મહેતા, દિનેશભાઈ કાબરિયા, મુકેશભાઈ કોરાટ, અરૂણ ડેર, સંજય રામાણી, જીતુ સુવાગિયા, દિવ્યેશ વેકરિયા સહિતના સદસ્યો હાજર રહ્યાં હતાં. રાજુલામાં આ સેમિનારના પ્રોજેકટ ચેરમેન તરીકેની જવાબદારી લાયન કિશોર પટેલ અને સાગર સરવૈયાએ ઉત્સાહભેર નિભાવી હતી. આ વર્કશોપના ટ્રેનર તરીકેની ફરજ યોગેશ પોટા નિભાવી હતી.