- સલમાનખાનની ફિલ્મમાં રોલ અપાવી દેવાનું કહી શિક્ષિકા સાથે રૂ.8 લાખની ઠગાઈ
- મુંબઈની માહી, સોનમ અને અરમાન અલી વિરુદ્ધ પંચનાથ પ્લોટમાં રહેતી મહિલાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી
- TV સિરિયલમાં કામ કરવા ઈચ્છુકો સંપર્ક કરે.. જાહેરાત વાંચી ઓડિશન આપવા ગયેલી મહિલા છેતરાઈ
ટીવી સિરીયલ, વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કરવા ઈચ્છુકોએ ચૌધરી હાઈસ્કૂલ નજીકની હોટેલમાં રૂબરૂ ઓડિશન આપવા આવવું… આ જાહેરાત વાંચીને ઓડિશન આપવા પહોંચેલા 37 વર્ષીય શિક્ષિકા સાથે મુંબઈની માહી, સોનમ અને અરમાન અલી નામના શખ્સે રૂ. 8 લાખની ઠગાઈ આચરી લીધાની ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે.મામલામાં એ-ડિવીઝન પોલીસે પંચનાથ પ્લોટ શેરી નં. 15/16ના ખુણે રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ બ્લોક નં. 201 માં રહેતા અને ખાનગી શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં લીનાબેન અભયભાઇ શાહ (ઉ.વ.37)ની ફરિયાદ પરથી મુંબઇની માહી ઉર્ફ શાહીન અફસર અલી, સોનમ ઉર્ફ શગુફતાબાનુ અફસર અલી, અરમાન અફસર અલી અને ભુષણ વિરૂધ્ધ ટીવી સિરીયલમાં કામ અપાવવાની લાલચ દઇ રૂા. 8 લાખ પડાવી લઇ ઠગાઇ કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લીનાબેન શાહે જણાવ્યું છે કે હું સાસુ સસરા સાથે રહુ છું, મારા પતિનું વર્ષ 2019માં અવસાન થયું છે. હું ચારેક વર્ષથી શિક્ષીકા તરીકે નોકરી કરુ છું અને ડાન્સ કોરીયોગ્રાફર પણ છું, હું અલગ અલગ પ્રોગ્રામમાં ડાન્સ પણ કરુ છું. વર્ષ 2022માં મારા મોબાઇલમાં વ્હોટ્સએપ ગ્રુપ એક ન્યુઝ પેપરની જાહેરખબર આવી હતી. જેમાં ટીવી સિરીયલમાં કામ કરવા માટે અમારે સારા કલાકારોની જરૂર છે, રસ ધરાવનારા હોય તેણે ચોધરી હાઇસ્કૂલ પાસેની હોટેલ ખાતે રૂબરૂ હાજર રહેવુ. જે વાંચીને હું તથા હિતેષભાઇ પંડયા બંને જુન-2022માં ઓડિશન માટે ગયાં હતા. જ્યાં સોનમ ઉર્ફ શગુફતાબાનુ અને માહી ઉર્ફ શાહીન (રહે. મુંબઇ)એ અમારુ ઓડીશન લીધુ હતું. એ પછી બંને મહિલાએ મારી પાસે એક ફોર્મ ભરાવી રૂા. 20 હજાર માંગતા મેં તેને રોકડા આપી દીધા હતાં. જેની કોઇપણ જાતની પહોંચ મને આપી નહોતી. ત્યારે બંનેએ કહેલુ કે-તમારુ કામ સારુ છે, અમે ફરી થોડા દિવસમાં રાજકોટ આવી તમારો સંપર્ક કરીશું.
આ પછી સોનમ અફસર અલી અને તેની સાથેની માહી અફસર અલી ફરી રાજકોટ આવ્યા હતાં અને મને ફોન કરી રાજેશ્રી સિનેમા નજીકની અન્ય એક હોટેલમાં બોલાવી હતી. હું ત્યાં જતાં સોનમ ઉર્ફ શગુફતાબાનુ તથા માહી ઉર્ફ શાહીન હાજર હતી. બંનેએ કહેલુ કે અમે અહિ શુટીંગ માટે આવ્યા છીએ, અહિ મુંબઇનો અરમાન અશરફ અલી પણ હોઇ તેની સાથે પણ અમારી મુલાકાત થઇ હતી. તેણે પણ કહેલુ અમે નવો પ્રોજેક્ટ ચાલુ કરીએ છીએ જેમાં તમને પણ કામ અપાવશું. આ પછી સોનમ અને માહીએ વેબ સિરીઝના પ્રોજેક્ટ માટે મારી પાસે બીજા 18 હજાર માંગતા મેં બંનેને આ રકમ પણ રોકડેથી આપી હતી. ત્યારબાદ મને સોનમ અને માહીએ મુંબઇ શુટીંગ માટે બોલાવી હતી. જયાં ‘કેમ્પસ કી દુનિયા’ નામની વેબસિરીઝનું વજેશ્વરી મુકામે શુટીંગ કર્યુ હતું. જેમાં મેં મારા શિક્ષક તરીકેના અડધા રોલનું શુટીંગ કર્યુ હતું. એ પછી અરમાને મને કહેલુ કે કલર્સ ચેનલમાં ભુષણસર છે તેની સાથે હું તમારો સંપર્ક કરાવી આપીશ. તમને ટીવી સિરીયલ કયામત સે કયામત તક’ નામની સિરીયલ અપાવીશ તેવી વાત કરી હતી. ત્યારબાદ હું ઘરે આવી ગઇ હતી.
બે દિવસ પછી મને એક ફોન આવ્યો હતો. જેમાં સામે છેડેથી ફોન કરનારે હું ભુષણસર બોલુ છું, મને અશરફ અલીએ તમારા નંબર આપ્યા છે, અમે કલર્સ ચેનલમાં નવી સિરીયલ બનાવી રહ્યા છીએ તેમાં તમારું સિલેક્શન થયું છે. તમને તેમાં કામ અપાવીશું, જેના માટે તમારે 70 હજાર રૂપિયા ભરવા પડશે. જેથી મેં હા પાડતાં ભુષણસરે મને પ્રેમ તાવડેના એકાઉન્ટ નંબર આપતાં મેં તેમાં રૂા. 70 હજાર ટ્રાન્સફર કર્યા હતાં. એ પછી ભુષણસર અને અરમાને મને કહેલુ કે 70 હજારમાં કામ નહિ થાય, હજુ બીજા 50 હજાર ભરવા પડશે. મેં આ રકમ ભરવાની પણ હા પાડી હતી અને પ્રેમ તાવડેને ગૂગલ પેથી રકમ મોકલી હતી. એ પછી ફરીથી 30 હજાર મોકલવાનું કહેતાં મેં ફરી પ્રેમને 30 હજાર મોકલેલા. એ પછી ફરી અરમાને ફોન કરી ફોટોશુટ માટે 50 હજાર માંગતા મેં આ રકમ ભરવાની ના પાડતાં તેણે કેહલું કે તમારા પોસ્ટર લાગશે, તમે ફેમસ થઇ જશો. આવી લાલચ આપતાં મેં હા પાડી ફરીથી પ્રેમ તાવડેને રૂા. 50 હજાર મોકલી દીધા હતાં. ત્યારપછી માહી અને સોનમે મને બીજી એક વેબ સિરીઝ તેમજ ફોટો શુટ અને આલ્બમ સોંગ તથા સલમાન ખાનની ફિલ્મમાં મને રોલ અપાવશે તેવી લાલચ આપી મારી પાસેથી રૂપિયા માંગતા મેં તેને રૂા. 5,62,000 આપી દીધા હતાં. આ રકમ પણ તેને ગૂગલ પેથી આપી હતી. પરંતુ એક વર્ષ થઇ જવા છતાં માહી, સોનમ, અરમાન કે ભુષણે મને ટીવી સિરીયલમાં કામ માટે ન બોલાવતાં અને હું ફોન કરુ તો અવાર-વનાર શુટીંગની તારીખ આવશે એટલે તમને બોલાવી લઇશું તેવો જવાબ આપી દેતાં હતાં. જેથી મારી સાથે છેતરપિંડી થયાની જાણ થતાં મે ફરિયાદ નોંધાવી છે.