લોકોના મત મુજબ વિશ્વસનીય તપાસ એજન્સી સીબીઆઈને સ્વાયત્તતા આપવાની જરૂર: મદ્રાસ હાઇકોર્ટ
મદ્રાસ હાઇકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ) અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મદ્રાસ હાઇકોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને શીખ આપતા કહ્યું છે કે, સીબીઆઈને વધુ અધિકારો અને સ્વાયત્તતા આપવાની જરૂરિયાત છે. હાઇકોર્ટનું માનવું છે કે, આ પગલું લીધા બાદ સીબીઆઈ ચૂંટણીપંચ, કેગની જેમ સ્વાયત્ત થશે.
મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ એન. કિરૂબકારન અને જસ્ટિસ બી પુગાલેંધીની ખંડપીઠે કહ્યું હતું કે, જ્યારે પણ કોઈ સંવેદનશીલ મામલો હોય અથવા તો જઘન્ય અપરાધ હોય તો સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવે છે. લોકોનું માનવું છે કે, સ્થાનિક પોલીસ લોકોની અપેક્ષા મુજબ તપાસ કરતી નથી, જ્યારે સીબીઆઈ સચોટ તપાસ કરે છે તેવો વિશ્વાસ લોકોને છે. ખંડપીઠે સીબીઆઈ દ્વારા કરાયેલી અરજીની સુનાવણી કરતી વેળાએ આ નિવેદન આપ્યું હતું. અરજીમાં સીબીઆઈમાં કર્મચારીઓની ઘટ્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એક ચિટફંડ કૌભાંડ મામલે સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી ફગાવતા ખંડપીઠે કહ્યું હતું કે, જ્યારે પણ કોઈ દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવે છે ત્યારે એજન્સી પાસે એક જ ઘસાયેલો જવાબ હોય છે કે, ‘અમારી પાસે જરૂરી સંસાધનો અને કર્મચારીઓની ઘટ્ટ છે’ જેથી તપાસ આ એજન્સીઓને આપી શકાતી નથી ત્યારે આ બાબતે યોગ્ય પગલાં લેવા જરૂરી છે તેવું કોર્ટનું માનવું છે.