અબતક, અરૂણ દવે
રાજકોટ
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ છેલ્લા એક માસથી સોશિયલ મિડિયાના ફેસબુક પેઇઝ ઉપર ધૂમ મચાવી રહ્યું છે. દરરોજ સાંજે 6 વાગે ગુજરાતી નાટકો-ફિલ્મો, હિન્દી ફિલ્મોના જાણીતા કલાકારો લાઇવ આવીને વિવિધ વિષયો ઉપર લાઇવ વાતો-વિચારો અને અનુભવો શેર કરે છે. અબતકના ફેસબુક પેઇઝ પર હજારો લોકો આ શ્રેણીનું મનોરંજન મેળવી રહ્યાં છે સાથે રોજ નવા-નવા કલારસિકો દેશ-વિદેશથી જોડાઇ રહ્યાં છે.
ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ અને સુપ્રસિદ્ધ અભિનેતા, લેખક, દિગ્દર્શક, વિષ્ણુ કુમાર વ્યાસનાં સુપુત્ર શરદ વ્યાસ આજે ચાય-વાય એન્ડ રંગમંચમાં પધાર્યા હતાં. વિષય હતો “નાટકનું ભણતર અને ગણતર” લગભગ પાંચ વર્ષના હતા ત્યારે જ ગુજરાતી ફિલ્મ મળેલા જીવમાં અભિનય કર્યો, જેમાં આસપાસ દિગ્ગજ નામાંકિત કલાકારો હતા. ત્યારબાદ ઝેર તો પીધા જાણી જાણી નાટકમાં દસ-બાર વર્ષના બાળકને રોલ કર્યો. સ્કૂલમાં ઘણા નાટકોમાં ભાગ લીધો. એક નાટ્ય સ્પર્ધામાં પૃથ્વીરાજ કપૂર પધારેલા ત્યારે એમણે સ્ટેજ પરથી એક જ વાક્ય કહ્યું હતું. અગર આપકો ભુખા રહીને કી આદત હો તો હી સ્ટેજ પર આના, વરના મત આના. ત્યારબાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જોઈન કર્યું. ત્યાં ગયા પછી ખબર પડી કે ડ્રામા, નાટક ધારીએ છીએ એટલું સહેલું નથી. શરદભાઈએ લાઈવ શેશન દરમ્યાન ખાસ કોકોનટ થિયેટરનો આભાર માન્યો અને કહ્યું કે જેમ રામકથા થાય છે, તેવી રીતે આ નાટક કથા છે જેમાં ગુજરાતી રંગભૂમિના ધુરંધરો આવીને રોજ પોતાના અનુભવો, પોતાના મંતવ્યો આપી જાય છે. જેના થકી આવનારી યુવાન પેઢીને કંઈક શીખવા અને જાણવા જરૂર મળશે. વાત આગળ વધારતા એમણે કહ્યું કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ત્રણ વર્ષના કોર્સમાં નાટકના 14 વિષય પર જ્ઞાન મેળવ્યું. ડિસિપ્લિન શીખ્યા અને સમજ પડી કે કોઈએ તમને બોલાવ્યા હોય ત્યાં હંમેશા પાંચ મિનિટ વહેલા જવું. ત્યારથી આજ સુધી મારી ઘડિયાળ 15 મિનિટ આગળ રાખી છે. બીજી વાતએ શીખ્યા કે સાથી કલાકાર, બેકસ્ટેજ, સંગીત, ડ્રેસ, મેકઅપ આર્ટિસ્ટ દરેક માટે રિસ્પેક્ટ રાખો, માન આપો. ત્રીજી વાત શીખ્યા પોતાની જાતના પ્રેમમાં પડો. શરદભાઈએ જણાવ્યું કે કલાકારનું બીજું નામ જાદુગર છે જે પડદો ખુલતા જ હજારો પ્રેક્ષને નવરસ માના એક રસથી મેસ્મરાઈઝ કરી શકે છે. બીજી એક ખાસ વાત કહી એ કોમ્યુનિકેશન, કલાકાર સાથેની વાતચીત પણ મહત્વની છે. કલાકારે ધ્યાન રાખવું કે તમે કોણ છો. તમે માત્ર પાત્ર ભજવો છો. કો – ઓપરેશન કે મદદ વગર કોઈ કામ શક્ય નથી. નાના માણસને પણ માન આપો તો માન મળે.
‘અબતક’ના સોશિયલ મિડિયાના ફેસબુક પર રોજ સાંજે 6 વાગે લાઇવ આ શ્રેણીમાં જાણીતા કલાકારોને નિહાળો
આ સિવાય ઘણી જાણવા જેવી માહિતી શરદભાઈએ એમના લાઈવ શેશનમાં જણાવ્યું હતું. આજે મુંબઈ ઘાટકોપરમાં વ્યાસ પરિવાર તરીકે ઓળખાતા શરદ ભાઈની ત્રણ પેઢી રંગમંચ પર સક્રિય છે પપ્પા વિષ્ણુ કુમાર વ્યાસના નામે એક ચોક છે ઘાટકોપરમાં એમનાં પત્ની ચિત્રા વ્યાસ, દિકરી તેજલ વ્યાસ અને દિકરો સુરજ વ્યાસ રંગભૂમિ પર સક્રિય છે. શરદભાઈની અનેક જાણવા લાયક વાતો આપને કોકોનટ થિયેટરનાં ફેસબુક પેઇઝ પર મળી શકશે. તમે જો શરદભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનેટ થીયેટરના ફેસબુક પેઇઝ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છો. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનલ પટેલ, ઘનશ્યામ નાયક, દીપક ઘીવાલા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો. તો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેઇઝને લાઈક એન્ડ ફોલો અને મળો આપના મનગમતા મહેમાનને.
આજે ટીવી ધારાવાહિક-ફિલ્મો-નાટકોના જાણીતા કલાકાર મેહુલ બુચ
ગુજરાતી તખ્તાનો ઘેઘુર અવાજ સાથે રેડિયો-નાટકો અને ગુજરાતી-હિન્દી ફિલ્મોના જાણીતા કલાકાર મેહુલ બુચ આજે કોકોનટ પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં સાંજે 6 વાગે લાઇવ આવીને ‘કલાકારઓને સ્ટેજ અને ઓફ સ્ટેજ’ વિષયક પોતાના અનુભવો શેર કરશે. વેન્ટિલેટર, ફિલ્મી સર્કલ-ટીચર ઓફ ધ યર- યુવા સરકાર જેવી ગુજરાતી ફિલ્મો તથા ઘાતક-ફિલહાલ- મેરે યાર કી શાદી તથા કુછ કુલ લોચા હે જેવી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. મેહુલ બુચે 1997માં સેટર ડે સસ્પેન્સ ટીવી શ્રેણીથી ટચૂકડા પડદે પણ ઉમદા અભિનયથી દર્શનોના મન હરી લીધા હતાં. આ વર્ષે સસુરાલ સિમરન કા સીરીયલ પણ આવી રહી છે. નાટક ફિલ્મોમાં વિવિધ રોલ કરીને તેની અભિનય ક્ષમતાથી લોકહ્રદ્યમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ભવાઇના પ્રારંભે લોકવાદ્ય-તબલા-કાંસા-ભૂંગળ-ઢોલક
જેવી પરંપરાગત સાથે ભવાઇ થતી: કલાકાર અનુરાગ પ્રપન્ન
“ભવાઈ, હું અને નાટકો” આ વિષય પર અનુરાગ પ્રપન્ન એમના મિત્રો અને રંગમંચના પ્રેક્ષકો સાથે લાઈવ ચર્ચામાં જોડાયા. અણી શુદ્ધ ગુજરાતી બોલતા અનુરાગભાઈ મૂળ હિંદી ભાષી છે, મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં જન્મેલા અનુરાગએ જણાવ્યું કે મારા પપ્પાની માતૃ ભાષા હિન્દી અને મમ્મીની ભાષા મરાઠી. નાનો હતો ત્યારે જ પપ્પાની ગુજરાત બરોડા યુનિવર્સિટીમાં બદલી થઇ અને સમગ્ર પરિવાર બરોડા શિફ્ટ થયો. અને ગુજરાતમાં આવી ગુજરાતી ભાષા શીખી. વધુમાં અનુરાગએ જણાવ્યું કે નાનપણથી જ ભણવામાં ખૂબ જ રસ. એ સિવાય ગાવાનો, તબલા વગાડવાનો, સંગીત શીખવાનો, ઢોલક વગાડવાનો પણ શોખ. સ્કૂલમાં એન્યુઅલ ડેમાં નાટકોમાં ભાગ લેતો. પણ નાટકની પ્રવૃત્તિ સામે પપ્પાનો સખત વિરોધ હતો. મમ્મી કહેતા કે યે ક્યા ગાના લગા રખા હે ? એ સબ હમેં શોભા નહીં દેતા છતાય નાટકો ન છુટ્યા, ભણતરમાં આગળ વધી એડવર્ટાઈઝિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને આખી કોલેજમાં પ્રથમ આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો. એ સાથે જ પ્રોફેસર તરીકે કોલેજમાં જ જોબ મળી. નાટકનો જીવ એટલે આખરે 1986માં બધું છોડીને મુંબઈ આવ્યા. ભવાઈ વિશે જણાવ્યું કે ગુજરાતમાં પહેલીવાર ભવાઈ જોઈ અને આકર્ષણ થયું જેમાં છ ફૂટ લાંબી ભૂંગળ વાગતી એ સાંભળીને રૂંવાટા ઊભા થઈ જતા. જ્યાં ભવાઈ થતી ત્યાં જતો. ફાઇન આર્ટ્સ ફેરમાં ભવાઈના શો કર્યા. મોરબીના પૂર સેવાકાર્ય કરવાનો અવસર મળ્યો અને એ વખતે સ્કૂલોમાં જઈને ભવાઈના શો કર્યા જેના લગભગ 62 શો કર્યા એમાંથી જે રૂપિયા આવતા એ પૂર રાહત ફંડ માં આપતા.
ભવાઈ જોતા-જોતા જ રંગાવલી થિયેટરમાં ભવાઈમાં ઢોલક વગાડવાનો અવસર મળ્યો. ધીમે-ધીમે નાનકડા રોલ ભજવતો થયો. વડોદરામાં જ ભાઈ સાથે મળીને ઉદય થિયેટર નામનું ગૃપ શરૂ કર્યું. સ્પર્ધાઓમાં ભવાઈ નાટક કરતા લેખક દિગ્દર્શક તરીકે નેશનલ એવોર્ડ પણ જીત્યા સમાજની આંખો ખુલે એવા જ વિષયો પર ભવાઈના નાટકો ભજવાતાં. ભવાઈની ઉત્પત્તિ વિશે એક નાનકડી વાર્તા દ્વારા અનુરાગએ સરસ વાત કરી ભવાઈની શરૂઆતમાં લોક વાદ્ય, તબલા, કાંસા ભૂંગળ, ઢોલક આ બધી પરંપરાગત વસ્તુઓ સાથે જ ભવાઈ થતી. વેશ ભજવાતા. ભવાઈ કરનારાને તરગાળા કહેતા જે ગામે ગામ ફરતા.