અબતક, અરૂણ દવે, રાજકોટ
છેલ્લા 36 દિવસથી ગુજરાતી-ફિલ્મો-નાટકો ટીવી ધારાવાહિક અને હિન્દી ફિલ્મોનાં જાણીતા કલાકારો કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં તેના સોશિયલ મીડિયાના ફેસબુક પેજ ઉપર લાઈવ આવીને વિવિધ વિષયો ઉપર પોતાના અનુભવો વાગોળે છે. આ શ્રેણી દેશ-વિદેશમાં હજારો કલાકારો માણી રહ્યા છે યુવા કલાકારોએ પોતાના વિકાસ માટે પણ આવી શ્રેણી નિહાળીને નવું નવું શિખવું જરૂરી છે.
ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાત તખ્તાને સંગ સીઝન- 3 નાં સફળ 36 શેસન બાદ ગઈકાલે ગુજરાતી રંગમંચનો ઘેઘુર અવાજ અને ઉમદા કલાકાર શ્રી મેહુલ બુચ એમના મિત્રો અને પ્રેક્ષકો સાથે લાઈવ વાતો કરવા પધાર્યા. એમના જ શબ્દોમાં કહીએ તો 1989માં કાંતિ મડિયાના વર્કશોપમાં શરૂઆત કરી અને કાંતિભાઈ એ જણાવ્યું કે તું મારા નાટકમાં કામ કરીશ. અને બિરલા ક્રીડા કેન્દ્રનાં પહેલે માળે રિહર્સલ શરૂ થયા જ્યાં રંગભૂમિના મોટા નામાંકિત કલાકારો સાથે રિહર્સલ શરૂ થયા અને હું ધન્ય થઈ ગયો. કાંતિભાઈના સહાયક તરીકે કામ શરુ કર્યું અને એક નાનકડી એન્ટ્રી મારતો. ત્યારબાદ કાંતિ મડીયાનાં જ સ્નેહ રંગ નામના નાટકમાં અરવિંદ ત્રિવેદી અને કલ્પના દિવાન સાથે કામ કર્યું. લગભગ દરેક મોટા કલાકારો સાથે કામ કરવાનો અવસર મળ્યો. ઘણું શીખ્યો, હજુ પણ શીખી રહ્યો છું. 1999 ના અંતમાં એક સરસ મજાની એડ મળી. અને એ અરસામાં 232 એડ કરી. ત્યારબાદ ગુજરાતી સીરીયલો અને હિન્દી સિરિયલોમાં ઘણું કામ કર્યું. આજે હું જે કંઈ પણ છું એના પાયામાં માત્ર અને માત્ર ગુજરાતી થિયેટર છે.
એક્ટર ઓન સ્ટેજ ઓફ સ્ટેજ આ વિષય પર વાત કરતાં મેહુલભાઈ જણાવ્યું કે વર્ષો પહેલાં કોઈએ મને કહ્યું હતું કે તને થિયેટર સાથે શું લાગે વળગે ? ત્યારે આ વાત મનમાં ઘર કરી ગઈ. અને કામ કરતો રહ્યો. રંગભૂમિના લગભગ દરેક પાસાઓ સાથે સંકળાયેલા મેહુલભાઈ જણાવ્યું છે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારથી સ્કૂલના નાટકોમાં કામ કરવાની શરૂઆત કરેલી. ઓન સ્ટેજ વ્યક્તિ એક પાત્ર તરીકે જીવે છે. પણ જેવો એ રંગમંચ છોડે છે કે તરત એ અભિનેતા થઇ જાય જાય છે. સરસ ઉદાહરણ સાથે કહ્યું કે પારો એટલે કે મર્ક્યુરી જ્યારે બીબામાં પડે ત્યારે બીબા જેવો જ આકાર લઈ લેશે અને જેવો બીબામાંથી બહાર નીકળે ત્યારે ફરી નવો આકાર મેળવવા અધીરો થઇ જાય છે એવું અભિનેતાનું છે સ્ટેજ ઉપર પાત્રની અંદર ઢળીને કલાકાર બની જાય છે. પણ નાટકની બહાર નીકળતા જ પાત્ર માંથી નીકળીને વ્યક્તિ તરીકે જીવવું પડે છે. દર વખતે કલાકારને સારા પાત્રો ન પણ મળે ત્યારે ઘરમાં બેસી રહેવા કરતા આપણી જાતને મનાવીને ઓફ સ્ટેજ વ્યક્તિમાંથી પરિવાર માટે અને પોતાના માટે ઓન સ્ટેજ કલાકાર તરીકે આવવું જ પડે. યુવાનો માટેની ખુબ જ સરસ વાત કરી મેહુલભાઈ કે ઓફ સ્ટેજ જીવન ચલાવવા આજીવિકા મેળવવા ઓન સ્ટેજ નાટકોના પાત્ર સાથે કોમ્પ્રોમાઇઝ કરી રૂપિયા કમાવા જ પડે છે. નાટકની સૌથી સારી વાત એ કે એમાં કેશ કવર મળે અને નાટકની સૌથી ખરાબ વાત પણ એ જ કે એમાં કેશ કવર મળે. રોજ રોકડા રૂપિયા મળે ત્યારે તમને એ રોકડ રકમની કિંમત નથી સમજાતી અને ભવિષ્યનો વિચાર કર્યા વગર તમે એ રોકડ રોજ ઉડાડી મૂકો છો. પણ જો એ સજ્દારી પૂર્વક સચવાય તો ઓફ સ્ટેજ દુખી થવાનો અવસર ન આવે.
‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેજ પર રોજ સાંજે 6 વાગે માણો લાઈવ પ્રસારણ
આવી તો ઘણી સમજદારી પૂર્વકની વાતો મેહુલ ભાઈએ એમના લાઈવ સેશનમાં જણાવી જે આપ કોકોનટ થિયેટરનાં લાઈવ સેશનમાં જોઈ શકો છો. તમે જો મેહુલ ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, રાગી જાની, જીતેન્દ્ર ઠક્કર, સિતાંશુ યશશ્ચંદ્ર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.તો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરીને દરરોજ જાણીતા કલાકારોને માણી શકશો.
આજે યુવા લેખક અને કલાકાર વૈભવ દેસાઈ
કોકોનટ થિયેટણની ચાય-વાય અને રંગમંચની શ્રેણીમાં આજે સાંજે 6 વાગે સુરતની રંગભૂમિ સાથે સંકળાયેલા જાણીતા યુવા લેખક અને દિગ્દર્શક સાથે ઉમદા કલાકાર વૈભવ દેસાઈ નાટકમાં દિગ્દર્શન ગીતો સંગીત સાથે લાઈટીંગના મહત્વ વિશે પોતાના વિચારો સાથે અનુભવો વાગોળશે.રંગભૂમિના વિવિધ ક્ષેત્રો-નાટક નિર્માણનાં વિવિધ પાસાઓમાં વૈભવ દેસાઈએ સારીલોકચાહના મેળવેલ છે. આજે સાંજે કલારસીકો માણવાનું ચૂકશો નહી.