જિલ્લામાં અન્ય દુકાનોનો સમય ઘટાડીને સવારે 7 થી બપોરના 4નો કરાશે : ધોરાજીમાં ચા- પાનની દુકાનો આજથી સજ્જડ બંધ
વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો મહત્વનો નિર્ણય : બપોરે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરાશે
રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હદ બહાર વધી રહ્યું હોય જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા આજે વહેલી સવારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે આવતીકાલથી આઠ દિવસ માટે જિલ્લામાં ચા- પાનની દુકાનો બંધ રહેશે. જ્યારે બાકીની દુકાનો માટેનો સમય ઘટાડીને સવારે 7થી બપોરના 5 વાગ્યા સુધીનો કરી દેવામાં આવશે. આ અંગે જિલ્લા કલેકટર આજે બપોરે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવાના છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. અગાઉ દરરોજ આવતા સરેરાશ કેસોની સાપેક્ષે હાલ દરરોજ ત્રણથી ચાર ગણા કેસો આવી રહ્યા છે. સામે હોસ્પિટલમાં પણ બેડ ઘટે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. રાજકોટ જિલ્લાની અમદાવાદ જેવી હાલત ન થાય તે માટે વહીવટી તંત્ર કમર કસી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા આજે વહેલી સવારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર દ્વારા આવતીકાલથી આઠ દિવસ માટે પાનની દુકાનો અને ચાની દુકાનો ઉપર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. સાથોસાથ ચા- પાનની દુકાનો સિવાયની કે જે ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલી ન હોય તેવી દુકાનોનો સમય ઘટાડીને સવારે 7થી બપોરના 4 સુધીનો કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કોરોનાનું સંક્રમણ જિલ્લામાં ખૂબ વધી રહ્યું છે. ચા- પાનની દુકાનોમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા હોય સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા ચા- પાનની દુકાનો ઉપર આઠ દિવસ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કે ચાના ધંધાર્થીઓની કલેકટર તંત્રના આ પ્રતિબંધિત આદેશોની હિલચાલ અંગે અગાઉથી જ જાણ થઈ હોય તેઓ દ્વારા બે દિવસ પૂર્વે જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું કે ચાના તમામ ધંધાર્થીઓ દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલાં લેવામાં આવશે તેની ખાતરી આપવામાં આવે છે. બસ હવે ફરી ધંધા- રોજગાર બંધ કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ કોરોનાનું સંક્રમણ જોખમી સપાટીએ પહોંચ્યું હોય ત્યાં પણ આજથી ચા- પાનની દુકાનો સજ્જડ બંધ કરવામાં આવી છે. જયારે આવતીકાલથી સમગ્ર જિલ્લામાં ચા- પાનની દુકાનો બંધ થવાની છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રવિવારના દિવસે રાજકોટ જિલ્લામાં કોરોનાના 51 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ મળીને અત્યાર સુધીમાં કુલ 442 કેસ થયા છે. આમ જિલ્લામાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ જે દરરોજના પાંચથી સાત નવા કેસો સામે આવતા હતા. તેની બદલે હવે 30થી 50 કેસો સામે આવી રહ્યા છે. માટે હાલના સમયમાં લોકોને એકત્ર થતા અટકાવવા જરૂરી હોય રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ચા- પાનની દુકાનો બંધ રાખવા અને અન્ય દુકાનોના સમય ઘટાડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.