રાજકોટ ટી એસો. દ્વારા જિલ્લા કલેકટર, મ્યુનિ.કમિશનર અને પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે મહાપાલિકા દ્વારા માનવ સમૂહ એકત્રીત ન થાય તે માટે ચા અને પાનની દુકાનો પર ટેકઅવે સીસ્ટમ લાગુ કરવામાં આવે છે. ત્રણ દિવસમાં સતત જેટલી ચા પાનની દુકાનો સીલ કરાયા બાદ ગઈકાલે રાજકોટ ટી એસો. દ્વારા સ્વૈચ્છીક રીતે ત્રણ દિવસ માટે ચાની કિટલીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે સવારે એસો.ના પ્રમુખ રાજુભાઈ ઠુંગાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં તંત્રને એવા મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અમે તંત્રને સહયોગ આપતા ત્રણ દિવસ કિટલી બંધ રાખી છે. હવે ધંધા ચાલુ રહે તે રીતની ગાઈડ લાઈન જાહેર કરવી જોઈએ.

આજે સવારે રાજકોટ ટી એસો.ની એક બેઠક રાજુભાઈ ઠુંગાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મુન્નાભાઈ ચીરોડીયા, જયેશભાઈ ગમારા, રઘુભાઈ ભુવા, કમલેશભાઈ મેવાડા, લાલભાઈ ગમારા અને મચ્છાભાઈ બાલંભા સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં રાજકોટ જિલ્લા કલેકટર, મ્યુનિ.કમિશનર અને પોલીસ કમિશનરને એવી વિનંતી કરવામાં આવી હતી કે, તંત્રને સહકાર આપવા માટે અમે ત્રણ દિવસ માટે ધંધા રોજગાર બંધ કર્યા છે ત્યારે આગામી દિવસોમાં તંત્રએ પણ અમને સહકાર આપવો જોઈએ અને ખોટી રીતે પરેશાની ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. ધંધા રોજગાર ચાલુ રહે તે રીતની ગાઈડ લાઈન જાહેર કરવાની માંગણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.