અધિકારીવર્ગ માટે લાંછનરૂપ ઘટના

કેફીપીણું પી જાહેરમાં બકવાસ કર્યો

જૂનાગઢ જિલ્લાના સરકારી બાબુની ઐયાસી અને અધિકારીઓને લાંછન આપે તેવી ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વહીવટીતંત્રમાં આ ઘટના ચર્ચાને ચકડોળે ચઢી છે, વંથલીના ટી.ડી.ઓ. કેફી પીણું પી એપાર્ટમેન્ટમાં જોરશોરથી બક્વાસ કરી, દંગલ મચાવી, ચકનાચૂર હાલતમાં થઈ જતા પોલીસે આ ટીડીઓના ઘરના દરવાજા તોડીને, બહાર કાઢી, જીપમાં પોલીસ સ્ટેશને લઈ જઈ, કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઉપર આવેલ ગોલ્ડ સ્ટાર એપાર્ટમેન્ટમાં રહેતા પંકજભાઇ વાઘાણી વંથલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે, જેમણે શનિવારના રાત્રિના સમયે કેફી પીણું લીધેલ હોવાથી જાહેરમાં બક્વાસ ચાલુ કર્યો હતો અને ચકનાચૂર બનેલા આ તાલુકા વિકાસ અધિકારી બાદમાં ઘરમાં પુરાઈ ગયો હતો, પરંતુ એપાર્ટમેન્ટના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને તેમણે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

બાદમાં ટી.ડી.ઓ.ના દરવાજા ખોલવા ના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. પરંતુ નશામાં ચકચૂર બનેલા ટીડીઓ એ દરવાજો ખોલેલ ન હતો, ત્યારે પોલીસે સ્થાનિક લોકોની મદદથી ટી.ડી.ઓ. કોઈ અનિચ્છનીય પગલું ન ભરે તે માટે તેના ઘરનો દરવાજો તોડી, અંદર પ્રવેશ કર્યો હતો. ટી.ડી.ઓ. એ વધુ દંગલ મચાવી બક્વાસ શરૂ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીડીઓ કેફી પી ને ચકનાચૂર બની જતા અને પોલીસ દ્વારા પકડાતા આ ઘટના જિલ્લાની ટોક ઓફ ધ ટાઉન બની હતી અને જિલ્લા વહીવટી તંત્ર માટે આ એક લાંછનરૂપ ઘટના બનવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.