જનરલ હોસ્પિટલ, જામ-ખંભાલીયા ખાતે ટીબીના નિદાન માટે અધતન CBNAAT (કાર્ટીઝ બઇઝ ન્યુકીક એસીડ એમનીફીલેશન ટેસ્ટ) લેબોરેટરીનું કલેક્ટરશ્રી જે.આર. ડોડીયાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગેમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. એસ.પી.સિંધ, જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.કેતન જોષી, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પીઠડીયા તથા આરએનટીસીપી સ્ટાફ અને જનરલ હોસ્પિટલ, જામ-ખંભાલીયાના સ્ટાફ હાજર રહ્યા હતા.
CBNAAT એ ટીબીના નિદાન માટે અધતન, ઝડપી અને સચોટ રીત છે. CBNAAT મશીનથી દર્દીને ટીબી છે કે નહિ તે અને સાથે Rifampicin નામની દવાનું રેસીસ્ટન્ટ હોય, તો તેનું નિદાન ફક્ત બે કલાકમાં કરી આપે છે. અગાઉ CBNAAT ટેસ્ટ માટે દર્દીના સેમ્પલને જામનગર ખાતે મોકલવા પડતા હતા અથવા દર્દી પ્રાઇવેટ લેબોરેટરીમાં આ ટેસ્ટ કરાવવા રૂ.૨૫૦૦/- સુધીનો ખર્ચ કરવો પડતો હતો. હવે જનરલ હોસ્પિટલ, જામ-ખંભાલીયા ખાતે CBNAAT લેબ શરૂ થતા સરકારી અને પ્રાઇવેટ સારવાર લેતા ટીબીના તમામ દર્દીને આ સુવિધા વિનામુલ્યે ઉપલબ્ધ થશે.
બાળકો, એચ.આઇ.વી. દર્દી અને ફેફસા સિવાયના ટીબીના દર્દીઓમાં ટીબીનું નિદાન ખુબ જ જટીલ અને મુશ્કેલ હોય છે. CBNAAT મશીન ગળફા અને અન્ય સેમ્પલ જેવા કે PUS, CSF, Plearual Fluid માંથી પણ ટીબીના જંતુને શોધી શક્તુ હોઇ તેમજ ટીબીના જીવાણુંનું સંખ્યા ઓછી હોય તો પણ સરળતાથી નિદાન થઇ શક્તુ હોય, ઉપરોક્ત ત્રણ કિ-પોપ્યુલેશનમાં ટીબીનું વહેલું અને સચોટ નિદાન કરી શકે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.એસ.પી.સિંધ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ડી.જે.પીઠડીયા તથા જિલ્લા ક્ષય કેન્દ્રના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.