આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ
સરકારે આવકવેરા રીટર્ન ભરવાની સમય મર્યાદામાં ફરી એક વખત વધારો કર્યો છે જેથી કરદાતાઓને મોટી રાહત મળી છે. રીટર્ન ભરવાની અંતિમ તારીખ હવે 31 ડિસેમ્બર સુધી લંબાવાઇ છે. જે અગાઉ 30 નવેમ્બર હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, હવે સામાન્ય નાગરિકો, કે જેમણે તેમના રીટર્નની સાથે ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યો ન હતો, તેઓ હવે, વર્ષ 2019-20 માટે 31 ડિસેમ્બર 2020 સુધીમાં ફાઇલ કરી શકશે.
જણાવી દઈએ કે, આ અગાઉ મે મહિનામાં સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારીને 30 નવેમ્બર 2020 કરી દીધી હતી. આ સિવાય વેરાના વિવાદોના સમાધાન માટે લાવવામાં આવેલી ‘વિવાદ સે વિશ્વાસ યોજના’ નો લાભ પણ કોઈ વધારાના ચાર્જ વગર 31 ડિસેમ્બર સુધી કરદાતાઓ લઈ શકશે.
આ અંગે એસ.કે. મિશ્રા સીએ ફર્મના ગુજરાતી સીએ કમલાકર મિશ્રાએ કહ્યું છે કે સરકારનુ આ એક અનુકૂળ પગલું છે. આનાથી વેપારીઓ, વ્યાવસાયિકો અને પગારદાર સહિતના કરદાતાઓને લાભ થશે. કોરોના યુગ હજી ચાલુ છે. આ સમયે દરેક વસ્તુ પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં, આવકવેરા રિટર્ન માટે જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવું મુશ્કેલ છે. મોટાભાગના પગારદાર લોકો હાલમાં ઘરેથી જ કામ કરી રહ્યા છે. તેમને પણ ફાયદો થશે. રિટર્ન ભરવામાં વિલંબ થતાં હવે પેનલ્ટી અને ડિફોલ્ટ વગેરે જેવા ચાર્જથી બચી શકાશે. જો કે અમે આ માટે સીબીડીટીને ઘણી વિનંતી કરી હતી. જેના અનુસંધાને સરકારે અમારી વાતને સંમતિ આપી એ માટે અમે સરકારના આભારી છીએ.