લેટ ફી પેટે ૧૦ હજાર રૂપિયાનો દંડ વસુલાશે: ૫ લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓને ૧ હજારનો દંડ ભરવો પડશે
લોકડાઉન જયારથી અમલી બનાવવામાં આવ્યું હતું તે સમયથી સરકારે લોકોની સવલત જળવાય રહે તે માટે આવકવેરા વિભાગમાં ઘણી છુટછાટ આપવામાં આવી હતી. રીટર્ન ભરવાની સમય મર્યાદામાં પણ સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો હતો ત્યારે હાલ કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલય દ્વારા આવકવેરા વિભાગ અને જીએસટીમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે તેને ધ્યાને લઈ નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯ના બાકી રહેલા રીટર્ન ભરવાની સમય મર્યાદા ૩૦ સપ્ટેમ્બર રાખવામાં આવી હતી પરંતુ તેમાં હવે વધુ બે માસનો વધારો કરવામાં આવ્યો છે અને છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર નિર્ધારિત કરાઈ છે. આ તમામ માહિતી સીબીડીટીએ તેના ટવીટર એકાઉન્ટમાં જાહેર કરી હતી.
આવકવેરા વિભાગના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલના સમયમાં જે સાચા કરદાતાઓ છે તેને રીટર્ન ભરવામાં ઘણીખરી મુશ્કેલીનો પણ સામનો કરવો પડયો છે અને કોરોના કાળ દરમિયાન તેઓને અનેકવિધ મુશ્કેલી પણ ઉદભવિત થઈ છે. આ તમામ વસ્તુઓને ધ્યાને લઈ બોર્ડ દ્વારા ફરી એક વખત રીટર્ન ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ચોથી વખત રીટર્ન ભરવાની તારીખમાં વધારો કર્યો છે પરંતુ સરકાર અને બોર્ડે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે જે કોઈ કરદાતા તેના નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯નાં રીટર્ન ભરવામાં વિલંબ કરશે તો તેઓને ૧૦ હજાર રૂપિયા સુધી દંડ પણ ફટકારવામાં આવશે જયારે જે કોઈ કરદાતાની આવક ૫ લાખથી ઓછી જોવા મળે તો તેની પાસેથી રૂા.૧ હજારનો દંડ પણ વસુલ કરાશે.
નિર્ધારીત સમયથી મોડુ રીટર્ન ભરનાર જયારે રિવાઈઝડ રીટર્ન ભરનાર કરદાતાને સરકાર દ્વારા જે સમય અવધીમાં વધારો કરવામાં આવ્યો છે તેનો લાભ મળતો રહેશે જે કોઈ કરદાતા તેમનું રીટર્ન ભરતા ચુકી ગયા હોય તેનું મુખ્ય કારણ હરહંમેશ તેમને મળતું ડિડકશનને ન કલેઈમ કરવા, આવક અંગેની અપુરતી માહિતી, બેંક એકાઉન્ટ અંગેની પણ પુરતી માહિતી હોવાના કારણે કરદાતાઓ ઘણીખરી વખત તેમનું રીટર્ન ભરવામાં નિષ્ફળ જતા હોય છે પરંતુ સરકારે વધુ એક તક તમામ કરદાતાઓને આપી છે કે જે રીટર્ન ન ભરી શકયા હોય.
૧૦ કરોડ રૂપિયા ઉપર ટર્નઓવર ધરાવતા વેપારીઓ વેચાણ ઉપર ટીસીએસ લઈ શકશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા આજથી વેચનાર વ્યકિત પાસેથી ટીસીએસ લેવા માટેની જોગવાઈ કરી હતી પરંતુ જે જાહેરાત કરવામાં આવી હતી તેમાં કોઈ સ્પષ્ટતા ન થઈ હોવાના કારણે સીબીડીટીએ જણાવ્યું છે કે, જે વેપારીઓનું ટર્નઓવર એટલે કે તેનો નાણાકિય વ્યવહાર ૧૦ કરોડ ઉપરનો હોય તો તેના ઉપર ટીસીએસ લાગુ કરવામાં આવશે જયારે ૫૦ લાખ રૂપિયા ઉપરના વ્યવહાર જે ચાલુ નાણાકિય વર્ષમાં કર્યા હોય તો તેના ઉપર ૦.૧ ટકા ટીસીએસ લેવા માટે જણાવાયું છે. બોર્ડે એ પણ સ્પષ્ટતા કરી છે કે ૧લી ઓકટોબર ૨૦૨૦ એટલે કે આજથી કોઈપણ મોટા નાણાકિય વ્યવહારો થશે તેના ઉપર જ ટીસીએસ લાગુ કરવામાં આવશે જેના માટે સરકારે ૧૦ કરોડથી વધુના નાણાકિય વ્યવહારો ઉપરની મર્યાદા નિર્ધારીત કરી છે. બીજી તરફ નિકાસ થતી ચીજ વસ્તુઓને પણ ટીસીએસમાંથી બાકાત રાખવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસના જણાવ્યા મુજબ આશરે ૩.૫ લાખ લોકોએ તેમનો નાણાકિય વ્યવહાર
૧૦ કરોડ ઉપરનો હોવાનું જણાવ્યું છે જે નાણાકિય વર્ષ ૧૮-૧૯માં નોંધાયા છે. અંતમાં બોર્ડના જણાવ્યા મુજબ જે ટીસીએસનો ટેકસ નિર્ધારીત કરવામાં આવ્યો છે તેનાથી કોઈપણ પ્રકારનું ભારણ કરદાતાઓ ઉપર નહીં વધે.