એક બાજુ ધંધો ઠપ્પ અને બીજી બાજુ વાર્ષિક રૂ.18000નો ટેક્ષ રૂ.36000 કરી દેવાતા ટેક્ષી ચાલકોને કમરતોડ ફટકો
પ્રથમ આરટીઓ કચેરીએ બાદમાં કલેકટરને આવેદન આપતુ રાજકોટ ટ્રાવેલ્સ ટેક્ષી એસોસિએશન
હાલના સમયમાં કોરોના મહામારી વચ્ચે તમામ ધંધા ઠપ્પ થયા છે. જેમાં ખાસ કરીને ટ્રાવેલ્સનો ધંધો સાવ મરણ પથારીએ પડ્યો છે. એક બાજુ વૈશ્ર્વિક કોરોના મહામારી અને બીજી બાજુ ટેક્ષી ટેક્ષી ધારકોને મોટો ફટકો પડ્યો છે રાજકોટ જિલ્લામાં તા.1-4-2021થી વાર્ષિક રૂ.18000નો ટેક્ષ રૂ.36000 કરી દેવાતા કમરતોડ ફટકો પડ્યો છે.
ત્યારે આ નવો ટેક્ષ રદ કરી જુનો ટેક્ષ યથાવત રાખવા રાજકોટ ટ્રાવેલ્સ ટેકસી એસોસિયેશનને આજરોજ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. આ ટેક્ષ પરત ખેચવા આરટીઓ કચેરી ખાતે, કલેકટર કચેરી ખાતે લેખિત અને મૌખિક ફરિયાદ કરી હતી. કોરોના મહામારીને કારણે ટેક્ષીચાલકોને રોજિંદો કામ-ધંધો મળતો નથી. હાલ તેઓ આર્થિક કટોકટી સહન કરી રહ્યા છે. આ મહામારીનો સમય જયાં સુધી રહે ત્યાં સુધી જુનો ટેક્ષ યથાવત રાખવા તેમજ કોઇપણ જાતની આરટીઓ ફી કે આરટીઓ ટેક્ષમાં વધારો ન કરવા માંગણી કરી હતી.
આ પ્રકારનો ટેક્ષ માત્ર રાજકોટ જિલ્લામાં જ લાગુ કરાતા ટેક્ષી ધારકો વધુ ઉશ્કેરાયા છે. આ અંગે આરટીઓ અધિકારીએ જણાવ્યુ હતુ કે અમને મળેલા પરિપત્ર મુજબ જ કામ કરવુ પડે. 2017માં મળેલો પરિપત્ર હવે લાગુ કરતા તેની સામે પણ સવાલ ઉઠાવ્યો હતો.
આરટીઓ ટેક્ષમાં વધારો થતા એસોસિએશન સાથે જોડાયેલ 400 જેટલા સભ્યોને ફટકો પડયો છે. અને આ અંગે આજરોજ આવેદન આપતી વેળાએ રાજકોટ ટ્રાવેલ્સ ટેક્ષી એસોસિએશનના મિડિયા પ્રવકતા રવિભાઇ નિમાવત સાથે 40 જેટલા સભ્ય જોડાયા હતા.
ટેક્ષ અંગેનો નિર્ણય સરકાર લેવલે થાય, જેથી આ રજૂઆત વડી કચેરીને ફોરવર્ડ કરાઇ છે: લાઠીયા (એ.આર.ટી.ઓ)
આર.ટી.ઓ.નો એ.આર.ટી.ઓ લાઠીયા જણાવ્યુ હતુ કે ટેમ્પો ટ્રાવેલ એસોસીએશન દ્વારા ટેકસ જે રૂ.18000 માંથી રૂ.36000 કરવામાં આવ્યો છે તેને ઘટાડવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. ખાસ આ નિર્ણય સરકાર લેવલે થઇ શકે. જેથી રજૂઆત વડી કચેરીને ફોરવર્ડ કરી દેવામાં આવી છે. ખાસ ટેકસ બાબતે ઓનલાઇન સુવિધા પણ શરૂ કરવામાં આવી છે તથા તમામ સ્ટાફને પણ આ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. ખાસ ટ્રાવેલ એસોસિએસનના હોદેદારો સાથે સ્પેશ્યલ મીટીંગ કરી તેમના પ્રશ્ર્નોના નિરાકરણ પણ કરી આપવામાં આવ્યા છે.
જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ આ સ્થિતિમાં બમણો ટેકસ કેમ પોસાય?: અંકુરભાઇ આચાર્ય
રાજકોટ ટ્રાવેલ એસોસીએશનના ઉપપ્રમુખ અંકુરભાઇ આચાર્યએ જણાવ્યુ કે હાલમાં 18000ને બને 36000 એટલે કે ડબલ ટેકસની માંગણી કરવામાં આવી છે. ખાસ તો ટેમ્પો ટ્રાવેલ માટેનો ટેકસ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સૌથી વધુ છે ખાસ તો 36000ને બદલે આ વર્ષ પુરતુ 18000 રાખી સરકાર રાહત આપે તેવી માંગણી છે. પેટ્રોલ, ડિઝલ સહિત હાલમાં કોરોનાના કારણે ઘણી બધી નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. હાલમાં જીવન નિર્વાહ પણ મુશ્કેલ બન્યો છે. આ સ્થિતીમાં ડબલ પરવળે તેમ નથી જેથી સરકાર અમારી માંગ પૂરી કરે તેવી લાગણી છે.
આ વર્ષે રૂ.18000 જ ટેકસ રાખવા માગણી: રવિ નિમાવત
રાજકોટ ટેમ્પો ટ્રાવેલ એસોસીએશનનાં મીડિયા ઇનચાર્જ રવિ નિમાવતે અબતક સાથેની વાતચિતમાં એ.આર.ટી.ઓ. લાઠીયાને ટેકસ સંબંધીત આવેદન આપેલ હતુ પરંતુ તો અંગે કોઇપણ પ્રકારનો નિકાલ આવ્યો નથી. આર.ટી.ઓ. માથી ગાંધીનગર રજૂઆત કરવા માટે કહેવામાં આવે છે. રાજકોટની સાથો સાથ અમદાવાદ, ભરૂર, સહિતના જીલ્લાઓમાં પણ આવેદન આપવામાં આવ્યુ હતું. ખાસ તો ટેમ્પો ટ્રાવેલ ટેકસ 18000 હતો જે હાલ 36000 કરવામાં આવ્યા છે. જેનો પરિપત્ર પણ અમને આપવામાં આવ્યો છે. ખાસતો વધારો 2017થી કરવામાં આવ્યો છે. છતા પણ આ વર્ષથી જ 36000 લેવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ કોરોનાના કારણે
વ્યવસાથને માઠી ખસર પણ પહોંચી છે. ડીઝલના ભાવ પણ વધ્યા છે. ટુરિઝમ પણ ઠપ છે. તો હાલમાં રોજીંદા જીવન જીવવું અને હપ્તા ભરવા પણ મુશ્કેલ બન્યા છે. બીજો ઓપ્સન લાઇફટાઇમ ટેકસ કે જે એક લાખ છે તે ભરવાનો આપ્યો છે. હાલની પરીસ્થિતીને જોતા કોઇ વ્યક્તિ એક લાખ કરઇ રીતે કાઢી શકે? અમારી એ જ રજૂઆત છે કે આ વર્ષે ટેકસ 18000 જ રાખવામાં આવે ફરી આવતા વર્ષે વધારે ટેકસ ભરવા અમે તૈયાર છીએ. અમારી આ રજૂઆતને સ્વિકારવામાં આવે તેવી લાગણી છે.