સેન્ટ્રલ ઝોનમાં સ્ટાર ચેમ્બર, શિવરંજની કોમ્પ્લેક્ષ, ક્રેડીટ કોર્નર, આકાર કોમ્પ્લેક્ષ, માનસા તીર્થ અને જીમ્મી ટાવરમાં ૧૭ મિલકતો જયારે વેસ્ટ ઝોનમાં અલગ-અલગ વિસ્તારોમાં ૧૫ મિલકતો સીલ કરાઈ
રીઢા બાકીદારો પર તુટી પડવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આદેશ આપ્યાના બીજા જ દિવસે આજે ટેકસ બ્રાંચ દ્વારા બાકીદારો સામે ત્રીજુ નેત્ર ખોલવામાં આવ્યું હોય તેમ સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં ૩૨ બાકીદારોની મિલકતો સીલ કરી દેવામાં આવી હતી.
શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં હરીહર ચોકમાં આવેલી સ્ટાર ચેમ્બર, જાગનાથ પ્લોટમાં શિવરંજની કોમ્પ્લેક્ષ, ક્રેડીટ કોર્નર, રજપુતપરામાં આકાર કોમ્પ્લેક્ષ, ગોંડલ રોડ પર જીમ્મી ટાવર, ગીતામંદિર રોડ પર માનસા તીર્થ એપાર્ટમેન્ટ સહિતના સ્થળોએ કુલ ૧૭ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી જયારે વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા સાધુ વાસવાણી રોડ પર ચોકલેટ એપાર્ટમેન્ટ, યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ પાર્કમાં શ્રી ખોડિયાર એસ્ટેટ, આકાર કોમ્પ્લેક્ષ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર ક્રિષ્ના કોમ્પ્લેક્ષ, કોટેચા ચોકમાં આરાધના બિલ્ડીંગ, કાલાવડ રોડ પર સાંઈબાબા કોમ્પ્લેક્ષ, મવડીમાં જી.એન.સાકરીયા, ઓમનગરમાં છગનભાઈ કુનડીયા, મવડીમાં ખોડાભાઈ પાનસુરીયા, શ્રીનાથજી સોસાયટીમાં ભવન બેચર ભુત અને ઉદયનગરમાં શાંતીલાલ અગ્રવાલ નામના આસામીઓની મિલકતો સીલ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં પણ મિલકત સીલીંગની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.