સામાકાંઠે પણ પાંચ બાકીદારોની મિલકતોને અલીગઢી તાળા લગાવાયા: રૈયારોડ અંબિકા કોમર્શીયલ કોમ્પ્લેક્ષની ૧૭ દુકાનોને મિલકત જપ્તીની નોટિસ
છેલ્લા દોઢ માસથી ટેકસ બ્રાંચે શરૂ કરેલી હાર્ડ રીકવરીનો દૌર અંતર્ગત આજે એક સાથે રેકોર્ડબ્રેક ૨૭ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. ટેકસ બ્રાંચે ત્રીજુ નેત્ર ખોલતા બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત શહેરના વોર્ડ નં.૭માં રૂ.૨.૧૭ લાખનો બાકી વેરો વસુલવા માટે મનહર પ્લોટમાં આવેલા ગોવિંદભાઈ પરશુરામભાઈ જાની નામના આસામીની માલિકીના જાની બિલ્ડીંગના ૨૨ યુનિટો સીલ કરી દેવામાં આવ્યા હતા. જયારે વોર્ડ નં.૨માં આદિનાથ કો.ઓપરેટીવ સોસાયટીમાં રૂ.૧.૬૦ લાખનો વેરો વસુલવા છાટલીયા બિલ્ડર્સની મિલકત સીલ કરવામાં આવતા તેઓએ તાત્કાલિક અસરથી બાકી વેરાની રકમનો ચેક આપી દીધો હતો તો વોર્ડ નં.૩માં જંકશન પ્લોટમાં રૂ.૬૫ હજારની રીકવરી કરવામાં આવી હતી.
ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે વોર્ડ નં.૧૫,૧૬ અને ૧૮માં ટેકસ રીકવરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂ.૧.૧૫ લાખનો બાકી વેરો વસુલવા માટે સંસ્કાર ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં બટુકભાઈ રવજીભાઈ, રૂ.૫૬ હજારનો વેરો વસુલવા બાવનજીભાઈ મોહનભાઈ, રૂ.૫૭ હજારનો વેરો વસુલવા પ્રેમજીભાઈ ગોરધનભાઈ, રૂ.૬૫ હજારનો વેરો વસુલવા અલ્પેશભાઈ પરસોતમભાઈ તથા પટેલનગરમાં રૂ.૫૦ હજારનો વેરો વસુલવા જયેશભાઈ હીરાભાઈ નામના આસામીની મિલકત સીલ કરી દેવામાં આવી હતી.
વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.૯માં રૈયારોડ પર આવેલા અંબિકા કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર પરની ૧૭ દુકાનોને બાકી વેરો વસુલવા માટે જપ્તી નોટિસ ફટકારવામાં આવી હતી.