સામાકાંઠા વિસ્તારમાં મોરબી રોડ, પેડક રોડ, કુવાડવા રોડ પર ૧૧ મિલકતો અને જુના રાજકોટમાં બજરંગવાડી તથા ઢેબર રોડ પર ૩ મિલકતો સીલ કરાઈ.

કોર્પોરેશનની ટેકસ બ્રાંચ દ્વારા શરૂ કરવામાં આવેલી ટેકસની હાર્ડ રીકવરી અંતર્ગત આજે શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઈમ્પીરીયલ હાઈટસ નામના બિલ્ડીંગમાં બે બાકીદારોની મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. આ સહિત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૧૯ મિલકતોની અલીગઢી તાળા લગાવી દેવામાં આવ્યા છે.

વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત આજે શહેરના વોર્ડ નં.૮માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઈમ્પીરીયલ હાઈટસમાં રૂ.૬૦,૩૧૧નો બાકી વેરો વસુલવા માટે વિકાસભાઈ સોરઠીયા તથા રૂ.૫૧,૦૦૦નો બાકી વેરો વસુલવા માટે ઐસાની ડેવલોપર્સ નામે નોંધાયેલી મિલકત સીલ કરી દેવામાં આવી હતી. જયારે વોર્ડ નં.૯માં અંજલી ટાવરમાં પ્રથમ માળે રૂ.૫૧,૬૫૫નો બાકી વેરો વસુલવા માટે હર્ષદભાઈ અરવિંદભાઈ પોપટની માલિકીનો ફલેટ અને ત્રિલોકપાર્કમાં રૂ.૩૬,૧૭૧નો બાકી વેરો વસુલવા શ્રમદિપ કોમ્પ્લેક્ષમાં બિલ્ડરના નામે નોંધાયેલી મિલકત સીલ કરવામાં આવી હતી.

૧૫૦ ફુટ રીંગ રોડ પર બાદલ કોમ્પલેક્ષમાં રૂ.૫૭,૮૮૧નો વેરો વસુલવા ભારતીબેન બારડ નામના આસામીની મિલકત સીલ કરાઈ હતી. સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વેરો વસુલવા માટે બજરંગવાડી સર્કલ પાસે આવેલા પૂનમ કોમ્પલેક્ષમાં બે યુનિટ જયારે વોર્ડ નં.૭માં ઢેબર રોડ પર જીવન કોમર્શીયલ બેંકના ભાડુઆત પદમનાથ મણીશંકર વૈદ્યની મિલકત સીલ કરવામાં આવી હતી.

ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા શહેરના મોરબી રોડ, પેડક રોડ, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત રૂ.૧.૭૭ લાખનો વેરો વસુલવા માટે કુવાડવા મેઈન રોડ પર એલ.એમ.ટ્રાન્સપોર્ટની ૬ મિલકત, મોરબી રોડ પર બારદાનગલીમાં રૂ.૧.૭૬ લાખનો બાકી વેરો વસુલવા અમરસિંહ ખજુરીયાની બે મિલકત, પેડક રોડ પર પાણીના ઘોડા પાસે બે લાખનો વેરો વસુલવા માટે પ્રીતિબેન પંડયાની મિલકત, રૂ.૪.૨૯ લાખનો વેરો વસુલવા માટે ગુણવંતભાઈ ગજેરા તથા રૂ.૯૪ હજારનો બાકી વેરો વસુલવા માટે રણછોડનગર-૭માં માનીબેન ચતુરભાઈ નામના આસામીની મિલકત સીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.