વેસ્ટ ઝોનમાં ૭૯ સ્થળોએ રીકવરી હાથ ધરાતા ધડાધડ વેરો ભરપાઈ: સેન્ટ્રલ ઝોનમાં ૮ મિલકતો સીલ કરાઈ

કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા આજે શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં ટેકસની રીકવરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સિલીંગ સહિતની આકરી ઝુંબેશ શરૂ કરવામાં આવતા ૯૪ રીઢા બાકીદારોએ ધડાધડ વેરો ભરપાઈ કરી દીધો હતો. આઠ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા અલગ-અલગ ૭૯ બાકીદારો પાસેથી વેરો વસુલવા રીકવરીની કામગીરી હાથ ધરાઈ હતી. સિલીંગ ઝુંબેશ હાથ ધરાતા તમામ બાકીદારોએ વેરા પેટે ચેક આપી દીધો હતો. આ ઉપરાંત ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા કોઠારીયા રોડ, મીરા ઉધોગ, સહજાનંદ ઈન્ડસ્ટ્રીઝ અને કુવાડવા રોડ પર ૧૫ મિલકતોમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરાતા ૧૩.૭૭ લાખની વસુલાત થવા પામી છે. સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ પર પરફેકટ પોઈન્ટ, ઢેબર રોડ પર વાણીજય ભવન, વોર્ડ નં.૧૩માં સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં ૩ મિલકતો, વોર્ડ નં.૧૭માં અટિકા ઈન્ડસ્ટ્રીઝમાં ૨ મિલકત સહિત કુલ ૮ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.