હાલ ફેસબુક, એમેઝોન, ગુગલ કે પછી એપલની જયારે વાત કરવામાં આવે તો તે લોકોનાં ડેટા વહેંચતા હોવાથી અબજોની સંખ્યામાં રૂપિયા કમાતા નજરે પડે છે. વિશેષરૂપથી વાત કરવામાં આવે તો અમેરિકા સ્થિત આ તમામ કંપનીઓ દુનિયાનાં તમામ દેશોનાં લોકોને સાથે રાખી ખુબ જ વિશાળ પ્રમાણમાં કમાણી કરતા નજરે પડે છે ત્યારે આ પ્રકારની ગતિવિધિઓ પર પૂર્ણવિરામ મુકવા માટે ફ્રાંસ સરકારે એમેઝોન, ગુગલ, એપલ અને ફેસબુક ઉપર વાર્ષિક આવકનાં ૩ ટકાનો ડિજિટલ ટેકસ લાદવાનો નિર્ણય કર્યો છે. જે અંગે ફ્રાંસની સાંસદમાં આ અંગેનો ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ફ્રાંસ સરકાર દ્વારા આ તમામ કંપનીઓ પણ ડિજિટલ ટેકસ લાદવાનો નિર્ણય લીધો છે તે ટેકસનું નામ ગાફા ટેકસ તરીકે ઓળખાશે. હાલ જે રીતે ફ્રાંસ દ્વારા ટેક જાયન્ટ ઉપર ટેક્સ લગાવવામાં આવ્યો છે ત્યારે ભારત દેશ પણ ફેસબુક, એમેઝોન, ગુગલ તથા એપલ ઉપર આગામી દિવસોમાં ટેક્સ લગાડશે તે વાત પણ માનવામાં આવી રહી છે. ફ્રાંસ સરકારે આ તમામ કંપનીઓ પર તેની વાર્ષિક આવક પર ૩ ટકાનો ટેકસ લગાવવાનો નિર્ણય લીધો હતો અને જણાવ્યું હતું કે, તેમની સર્વિસ જે ફ્રાંસનાં નાગરિકોને આપવામાં આવે છે તેનો ફાયદો ફ્રાંસને સહેજ પણ થતો નથી.
જેથી ટેકસ લગાવવામાં આવતાની સાથે જ દેશમાં ટેકસની આવકમાં પણ વધારો થશે. આ તકે ફ્રાંસનાં ઈકોનોમી મિનિસ્ટર બ્રુનોલી મેયરે જણાવતાં કહ્યું હતું કે, જે રીતે અમેરિકા તરફથી ધાક-ધમકીઓ મળી રહી છે તે આ પ્રશ્ર્નનું નિવારણ નથી. જો જગત જમાદાર અમેરિકા આ અંગે કોઈ સુલેહ કરવા માંગતું હોય તો એકમાત્ર વિકલ્પ છે તે બેઠકનો છે. બંને દેશ વચ્ચે જો આ અંગે બેઠક યોજાશે તો કોઈ નકકર ઉકેલ આવી શકશે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જી-૨૦ સમિટમાં ફાયનાન્સ ચીફ દ્વારા મીટીંગમાં આ અંગે પણ મંત્રણા કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે, ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ પર ટેકસ લગાવવામાં આવવો જોઈએ. ત્યારે આ નિર્ણયને ગુગલ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો હતો અને ગુગલનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર તેઓએ વિગતો આપતા જણાવાયું હતું કે, તેમનાં દ્વારા અમેરિકામાં ઓછો ટેકસ ભરવામાં આવશે જયારે તેમની કાર્યવાહી કે જે અન્ય દેશોમાં ચાલુ છે તેમાં તેઓએ નિર્ધારિત કરેલો ટેકસ પણ ભરશે.